IND vs AUS 1st ODI Match : ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણી પહેલા જ રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવીને શુભમન ગિલને ભારતીય વન ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે રોહિત અને કોહલી જેવા સિનિયર ખેલાડીઓ ગિલની કેપ્ટન્સી હેઠળ રમતા જોવા મળશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 ઓક્ટોબરને રવિવારથી પ્રથમ વન ડે શરુ થઇ રહી છે. રોહિત અને કોહલી બન્ને આ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મેદાન પર ઉતરશે.
રોહિત-કોહલી સાથે સારા સંબંધો છે
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન ડે અગાઉ જ ભારતીય વન ડે ટીમના કેપ્ટન શુભમન ગિલે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કરી દીધું હતુ કે રોહિત શર્માને ભલે કેપ્ટન્સી પરથી હટાવી દેવામાં આવ્યો હોય, પણ તેના અને હિટમેન વચ્ચેના ફ્રેન્ડલી સંબંધો હજુ પણ યથાવત છે. ગિલે સ્પષ્ટપણે કહ્યું હતું કે બહાર જે પણ ચાલી રહ્યું છે, અમારા સંબંધોમાં કશું અલગ નથી. અમે પહેલા જેવા હતા એવા જ છીએ અને બધું સમાન છે અને તે ખૂબ જ મદદગાર છે.
શુભમન ગિલે કહ્યું કે જો મને મેચ દરમિયાન કોઈ મદદની જરૂર હશે તો હું રોહિત અને વિરાટ સાથે વાત કરીશ અને તેમના અનુભવનો લાભ લેવાનો પ્રયાસ કરીશ. રોહિત પણ કોઇ બાબતે પોતાનો અભિપ્રાય છે બતાવે છે અને જો મારે કંઇક પૂછવું હોય તો હું જાઉં છું અને મારો અભિપ્રાય મેળવું છું. મારે બધાના વિચારો જાણવા અને પછી રમત વિશેની મારી સમજના આધારે અંતિમ નિર્ણય લેવો ગમે છે.
આ પણ વાંચો – ભારત વિ ઓસ્ટ્રેલિયા : પર્થ વન ડે પહેલા જાણો પિચ રિપોર્ટ, હેડ ટુ હેડ રેકોર્ડ અને હવામાનની સ્થિતિ
બન્ને મને મદદ કરવામાં ક્યારેય અચકાતા નથી
ગિલે રોહિત અને વિરાટ કોહલી બંનેનો આભાર માન્યો હતો અને તેમને તેની કારકિર્દીના અત્યાર સુધીના સૌથી પ્રભાવશાળી લોકોમાં ગણાવ્યા હતા. તેણે કહ્યું કે રોહિત ભાઈ અને વિરાટભાઈ બંને સાથે મારા સારા સંબંધો છે. જ્યારે પણ મને કોઈ શંકા હોય છે, ત્યારે હું તેમની પાસેથી સૂચનો માંગું છું અને તેમની સલાહ લઉં છું. તેઓ મને મદદ કરવામાં ક્યારેય અચકાતા નથી. ગિલે કહ્યું હતું કે તે તેની કેપ્ટનશિપ દરમિયાન રોહિત શર્મા જેવો શાંત સ્વભાવ અપનાવવા માંગે છે.