India vs Australia Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો પ્રારંભ 22 નવેમ્બરથી પર્થમાં થશે. ઓસ્ટ્રેલિયા સામેની પડકારજનક ટેસ્ટ શ્રેણી અગાઉ ભારતના સ્ટેન્ડ ઈન કેપ્ટન જસપ્રીત બુમરાહે પ્રેસ કોન્ફરન્સમાં ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. બુમરાહે કહ્યું કે તેમની ટીમ ઘરઆંગણાની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ સામે 0-3થી મળેલા પરાજયના બોઝ સાથે અહી આવી નથી. જોકે તેણે ચોક્કસપણે કબુલાત કરી હતી કે તેમની ટીમે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાંથી ચોક્કસપણે બોધપાઠ લીધો છે.
પિતા બનવાના કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયેલા રોહિત શર્માના સ્થાને કેપ્ટનશિપ કરી રહેલા જસપ્રીત બુમરાહે કહ્યું કે જ્યારે તમે જીતો છો, ત્યારે તમે શૂન્યથી શરૂઆત કરો છો, પરંતુ જ્યારે તમે હારો છો ત્યારે પણ આવું જ થાય છે. અમે ભારતથી કોઈ બોઝ નહીંને આવ્યા નથી. અમે ન્યુઝીલેન્ડની શ્રેણીમાંથી શીખ્યા છીએ, પરંતુ અહીં પરિસ્થિતિ જુદી છે અને અહીં અમારા પરિણામો અલગ રહ્યા છે. તેમણે કહ્યું કે ટીમ પ્લેઈંગ ઈલેવનનો ખુલાસો ટોસ સમયે જ કરશે.
પ્લેઇંગ ઇલેવન નક્કી કરી લીધી છે, ટોસના સમયે જણાવીશ : બુમરાહ
બુમરાહે કહ્યું કે અમે પ્લેઇંગ ઇલેવન નક્કી કરી લીધી છે અને તમને સવારે મેચ પહેલા ખબર પડી જશે. વિરાટ કોહલી સાથે જોડાયેલા સવાલ પર કહ્યું કે મારે કોહલીને કોઈ ઇનપુટ આપવાની જરૂર નથી, મેં તેના નેતૃત્વમાં ડેબ્યૂ કર્યું છે. શ્રેણીમાં ચડાવ-ઉતાર આવી શકે છે, પરંતુ તે આત્મવિશ્વાસથી ભરપૂર રહે છે.
પ્રથમ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરવા અંગે જસપ્રીત બુમરાહે કહ્યું કે જ્યારે હું અહીં આવ્યો ત્યારે કોચ અને મેનેજમેન્ટે મને સ્પષ્ટ કરી દીધું હતું કે હું ટીમનું નેતૃત્વ કરીશ. જસપ્રીત બુમરાહને હંમેશા જવાબદારી અને મહેનત પસંદ છે. આ જ કારણે તે તેના કટ્ટર હરિફ એવા ઓસ્ટ્રેલિયા સામેની બહુપ્રતિક્ષિત ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતની આગેવાની કરવાનો આનંદ ઉઠાવી રહ્યો છે.
આ પણ વાંચો – ભારત વિ ઓસ્ટ્રેલિયા પ્રથમ ટેસ્ટ : જાણો કેવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન
જસપ્રીત બુમરાહ કેપ્ટનશિપને કોઇ પદ માનતો નથી
2022માં ઈંગ્લેન્ડ સામેની એજબેસ્ટોન ટેસ્ટ બાદ રોહિત શર્માની ગેરહાજરીમાં આ બીજી વખત છે જ્યારે બુમરાહ ટીમની કેપ્ટનશિપ સંભાળશે. પર્થ ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જસપ્રીત બુમરાહે કહ્યું કે હું કેપ્ટનશિપને કોઇ પદ નથી માનતો પરંતુ મને હંમેશા જવાબદારી પસંદ રહી છે.
નેતૃત્વ વિશેની પોતાની લાગણીઓને જાહેર કરતા બુમરાહે કહ્યું કે હું નાનપણથી જ સખત મહેનત કરવા માંગતો હતો. તમે કંઈક કરવા માંગો છો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ફસાઈ જવા માંગો છો તે મારા માટે નવા પડકારો ઉમેરે છે. જસપ્રીત બુમરાહ જાણે છે કે તે માત્ર એક જ ટેસ્ટ મેચ માટે છે, પરંતુ તે ભવિષ્યમાં નેતૃત્વની ભૂમિકા નિભાવવા માંગશે તે વાતને નકારી શકાય તેમ નથી.
હું ભવિષ્યને નિયંત્રણ કરી શકતો નથી: જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહ હસીને કહે છે કે દેખીતી રીતે જ હું રોહિતને એ નહીં કહું કે હું આ કરી લઇશ. તે અમારો કેપ્ટન છે અને તે એક સરસ કામ કરી રહ્યો છે. હાલ એક મેચ છે અને તમે જાણતા નથી કે આવતીકાલે શું થશે. અત્યારે તો હું વર્તમાનમાં છું. મને જવાબદારી સોંપવામાં આવી છે. મેં એકવાર જવાબદારી સંભાળી હતી અને તેનો સંપૂર્ણ આનંદ માણ્યો હતો. હું વિચારી રહ્યો છું કે પોતાની ક્ષમતા પ્રમાણે કેવી રીતે ફાળો આપી શકું. હું ભવિષ્યને નિયંત્રિત કરી શકતો નથી.





