India vs Bangladesh Score, 1st Test Day 3, ભારત વિ. બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટ, ત્રીજો દિવસ : ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. ભારતે આપેલા 515 રનના પડકાર સામે બાંગ્લાદેશે ત્રીજા દિવસના અંતે 4 વિકેટે 158 રન બનાવી લીધા છે. દિવસના અંતે નજમુલ હુસેન શાંતો 51 અને શાકિબ અલ હસન 5 રને રમતમાં છે. બાંગ્લાદેશ જીતથી 357 રન દૂર છે અને તેની 6 વિકેટો બાકી છે. બીજા દાવમાં અશ્વિન 3 અને બુમરાહે 1 વિકેટ ઝડપી છે.
શુભમન ગિલ અને ઋષભ પંતની સદી
ભારતે ત્રીજા દિવસની શરુઆત 3 વિકેટે 81 રનથી કરી હતી. શુભમન ગિલ અને ઋષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી. ગિલે 243 બોલમાં 10 ફોર 4 સિક્સર સાથે અણનમ 119 રન બનાવ્યા હતા. જ્યારે ઋષભ પંતે 148 બોલમાં 13 ફોર 4 સિક્સરની મદદથી 109 રન બનાવ્યા હતા. પંત અને ગિલે 167 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતે બીજો દાવ 4 વિકેટે 287 રન બનાવી ડિકલેર કર્યો હતો. બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો પડકાર આપ્યો હતો.
શુભમન ગિલે 2024માં ત્રીજી સદી ફટકારી
શુભમન ગિલે બીજી ઇનિંગ્સમાં સતત ચોથી વખત 50થી વધુ રન બનાવ્યા હતા. તેણે ઈંગ્લેન્ડ સામેની વિશાખાપટ્ટનમ ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં 104 રન ફટકાર્યા હતા. તેણે રાજકોટમાં બીજી ઈનિંગ્સમાં 91 રન ફટકાર્યા હતા. રાંચીમાં બીજી ઇનિંગ્સમાં અણનમ 52 રન બનાવ્યા હતા. ગિલે છેલ્લી 8 ટેસ્ટ ઇનિંગ્સમાં 3 સદી અને 2 અડધી સદી ફટકારી છે. 2024માં તેણે અત્યાર સુધીમાં 3 સદી ફટકારી છે.
આ પણ વાંચો – ભારત વિ. બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટ : અશ્વિન-જાડેજાએ 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ઋષભ પંતે ધોનીની બરાબરી કરી
ઋષભ પંત ડિસેમ્બર 2022માં રોડ અકસ્માતનો શિકાર બન્યો હતો. આ પછી તે પ્રથમ વખત ટેસ્ટ મેચ રમવા ઉતર્યો હતો. 21 મહિના પછી ટેસ્ટ રમી રહેલા પંતે બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી. આ તેની કારકિર્દીની છઠ્ઠી સદી છે. આ સાથે તેણે મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી લીધી. બંનેના નામે ટેસ્ટમાં 6-6 સદી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ સિવાય કોઈપણ ભારતીય વિકેટકીપરે વધુ સદી ફટકારી નથી.





