IND vs ENG 1st Test : રવિન્દ્ર જાડેજા (81 અણનમ), કેએલ રાહુલ (86) અને યશસ્વી જયસ્વાલ (80)ની અડધી સદીની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પકડ મજબૂત બનાવી લીધા છે. ઇંગ્લેન્ડના 246 રનના જવાબમાં ભારતે બીજા દિવસના અંતે 7 વિકેટે 421 રન બનાવી લીધા છે. ભારતે 175 રનની લીડ મેળવી લીધી છે અને દિવસના અંતે રવિન્દ્ર જાડેજા 81 અને અક્ષર પટેલ 35 રને રમતમાં છે.
કેએલ રાહુલની અડધી સદી
પ્રથમ ટેસ્ટમાં ભારતે બીજા દિવસની શરૂઆત એક વિકેટ પર 119 રન રનથી કરી હતી. યશસ્વી જયસ્વાલ (80)અને શુભમન ગિલ (23) જલ્દી આઉટ થયા હતા. કેએલ રાહુલ અને શ્રેયસ ઐયરે 62 રનની ભાગીદારી નોંધાવી હતી. ઐયર 35 રન બનાવી રેહાન અહમદનો શિકાર બન્યો હતો. રાહુલે એક છેડો સાચવી રાખતા અડધી સદી ફટકારી હતી.
આ પણ વાંચો – ભારત વિ. ઇંગ્લેન્ડ ટેસ્ટ : અશ્વિન-જાડેજાની જોડીએ રચ્યો ઇતિહાસ, કુંબલે- હરભજનનો રેકોર્ડ તોડ્યો
રાહુલ-જાડેજાની જોડીએ ઝડપી 65 રનની ભાગીદારી કરી હતી. પ્રથમ ટેસ્ટમાં કેએલ આક્રમક સ્ટ્રોક રમીને આઉટ થનારો પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો હતો. કેએલ રાહુલે ટોમ હાર્ટલીના હાફ ટ્રેકરને સીધો જ ડીપ મિડવિકેટ પર ફટકાર્યો હતો, પરંતુ ત્યાં રેહાન અહેમદને હાથે કેચઆઉટ થયો હતો.
જાડેજા અને અક્ષરે બાજી સંભાળી
આ પછી રવિન્દ્ર જાડેજા અને ભરતે બાજી સંભાળી હતી. ભરત 41 રન બનાવી રુટની ઓવરમાં એલબી આઉટ થયો હતો. અશ્વિન ખાસ ઝળકી શક્યો ન હતો અને 1 રને આઉટ થયો હતો. જાડેજા અને અક્ષરે 63 રનની અતૂટ ભાગીદારી નોંધાવી ટીમનો સ્કોર 400 રનને પાર પહોંચાડ્યો હતો. પિચ ધીમી હતી પરંતુ તેનો ફાયદો ઇંગ્લેન્ડના સ્પિનરો ઉઠાવી શક્યા ન હતા. યશસ્વી જયસ્વાલ (80 રન)ની વિકેટ ગુમાવી હતી.
ઇંગ્લેન્ડ તરફથી ટોમ હાર્ટલી અને જો રુટે 2-2 વિકેટ ઝડપી હતી. લીચ અને રેહાન અહમદને 1-1 વિકેટ મળી હતી.





