India vs England ODI : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા તૈયારી માટે ભારતીય ટીમ માટે માત્ર એક જ તક બાકી છે. બુધવારે 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે રમાશે. આ મેચમાં રોહિત શર્મા પ્લેઇંગ 11માં 3 ફેરફાર કરી શકે છે. તે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને અજમાવવા માંગે છે. આવી સ્થિતિમાં ઋષભ પંત, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવને તક મળી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતની આ અંતિમ મેચ છે.
રોહિત શર્મા અને શુભમન ગિલ ફોર્મમાં
ભારત માટે સારા સમાચાર એ છે કે રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડી ફોર્મમાં છે. શુભમન ગિલે બંને મેચમાં અડધી સદી ફટકારી હતી. આ સાથે જ રોહિત શર્માએ કટકમાં પોતાનો ક્લાસ બતાવ્યો હતો. તેણે 90 બોલમાં 119 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ ઈચ્છે છે કે વિરાટ કોહલી બેટથી રન બનાવે. તે પ્રથમ વન ડેમાં રમ્યો ન હતો. બીજી વન ડેમાં આદિલ રશીદના બોલ પર આઉટ થયો હતો.
રાહુલના સ્થાને ઋષભ પંતનો થઇ શકે છે સમાવેશ
આ ઉપરાંત શ્રેયસ ઐયર અને અક્ષર પટેલે બંને મેચમાં સારી બેટિંગ કરી હતી. કેએલ રાહુલ 6 નંબર પર રમ્યો છે. તે બંને મેચમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે વધારે રન બચ્યા ન હતા, પરંતુ તેમ છતાં ખાસ કમાલ કરી શક્યો ન હતો. હવે ટીમ મેનેજમેન્ટ રાહુલના સ્થાને ઋષભ પંતને અજમાવી શકે છે. આનું એક કારણ ડાબોડી-જમણેરી કોમ્બિનેશન છે, જે ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ ઘણું જોવા મળ્યું છે. આ કારણથી રાહુલથી ઉપર અક્ષરને રમાડવામાં આવી રહ્યો છે.
કુલદીપ અને વરુણને મળી શકે છે તક
દિગ્ગજ સ્પિનર રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં ત્રીજી વનડેમાં તેના સ્થાને કુલદીપ યાદવને તક મળી શકે છે, જે વરુણ ચક્રવર્તીના કારણે બીજી વન ડેમાં રમ્યો ન હતો. ચેમ્પિયન્સ ટ્રોફી માટે વરુણ ચક્રવર્તીને ભારતીય ટીમમાં તક મળી શકે છે, પરંતુ ગૌતમ ગંભીર વિચાર ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલના શાનદાર પ્રદર્શનને કારણે એક જ સ્પેશ્યાલિસ્ટ સ્પિનર પ્લેઈંગ 11માં હશે. એટલે કે વરુણ કે કુલદીપમાંથી કોઈ એક જ રમશે.
આ પણ વાંચો – રવિન્દ્ર જાડેજાએ 73 સેકન્ડમાં ખતમ કરી દીધી ઓવર, આ બોલરના નામે છે સૌથી ઝડપી ઓવર પુરી કરવાનો રેકોર્ડ
મોહમ્મદ શમીની જગ્યાએ અર્શદીપ સિંહ બની શકે છે પ્લેઇંગ ઇલેવનનો ભાગ
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં અર્શદીપ સિંહની પસંદગી કરવામાં આવી છે, પરંતુ તે વધારે વન-ડે રમ્યો નથી. ઈજામાંથી પરત ફર્યા બાદ મોહમ્મદ શમીને 2 મેચમાં તક મળી હતી. આ ઉપરાંત હર્ષિત રાણાને અજમાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં મોહમ્મદ શમીની જગ્યાએ અર્શદીપ સિંહને તક મળી શકે છે. હર્ષિતને વધુ એક મેચમાં રમાડી શકાય છે. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં 2 ફેરફાર કરી શકે છે.
ત્રીજી વન-ડે માટે ભારતની સંભવિત પ્લેઇંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ/ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા/કુલદીપ યાદવ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ/મોહમ્મદ શમી





