IND vs SA Score, 1st Test Day 1 : જસપ્રીત બુમરાહ (5 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે મજબૂત પકડ બનાવી લીધા છે. દક્ષિણ આફ્રિકાના 159 રનના જવાબમાં ભારતે પ્રથમ દિવસના અંતે 20 ઓવરમાં 1 વિકેટે 37 રન બનાવી લીધા છે. ભારત હજુ 122 રન પાછળ છે અને તેની 9 વિકેટો બાકી છે. દિવસના અંતે કેએલ રાહુલ 23 અને વોશિંગ્ટન સુંદર 6 રને રમતમાં છે. યશસ્વી જયસ્વાલ 12 રને આઉટ થયો હતો.
દક્ષિણ આફ્રિકા 159 રનમાં ઓલઆઉટ
દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 55 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ટીમ તરફથી માર્કરામે સૌથી વધારે 31 રન બનાવ્યા હતા. આ સિવાય મુલ્ડર અને ટોની ડી જ્યોર્જીએ 24 રન, રયાન રિકેલ્ટન 23, કાઇલ વેરિને 16 અને ટ્રિસ્ટન સ્ટબ્સે અણનમ 15 રન બનાવ્યા હતા. આ સિવાય કોઇ પ્લેયર ડબલ ફિગરના સ્કોરને વટાવી શક્યા ન હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી. આ સિવાય સિરાજ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલને 1 વિકેટ મળી હતી.
ગિલે 93 વર્ષના ટેસ્ટ ઈતિહાસની આ પરંપરાને બદલી
ભારતે પ્રથમ ટેસ્ટમાં ત્રણ સ્પિન ઓલરાઉન્ડર, એક સ્પેશિયાલિસ્ટ સ્પિનર અન બે ફાસ્ટ બોલરોને રમાડ્યા હતા. આ ઉપરાંત ભારતીય ટીમમાં છ ડાબોડી બેટ્સમેનો રમી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે.
ભારતે તેની પ્રથમ ટેસ્ટ મેચ 1932માં ઇંગ્લેન્ડ સામે રમ્યું હતું અને ત્યારથી એવું ક્યારેય બન્યું ન હતું કે ટીમ ઈન્ડિયા એક ટેસ્ટ મેચમાં છ ડાબોડી બેટ્સમેન સાથે ઉતરી હોય. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં કેપ્ટન શુભમન ગિલે 93 વર્ષના ટેસ્ટ ઈતિહાસની આ પરંપરાને બદલી નાંખી હતી અને ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં છ ડાબોડી બેટ્સમેનોને સામેલ કર્યા હતા.
6 ડાબોડી બેટ્સમેન કોણ-કોણ છે?
ભારતની પ્લેઈંગ 11માં છ ડાબોડી ખેલાડીઓમાં ઓપનર યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ છે.
આ પણ વાંચો – મોહમ્મદ શમીને ટેસ્ટ ટીમમાં કેમ નથી મળી રહ્યું સ્થાન, કેપ્ટન શુભમન ગિલે આપ્યો અજીબ જવાબ
ભારતીય ટેસ્ટ ટીમમાં સૌથી વધારે ડાબોડી બેટ્સમેનો ક્યારે રમ્યા હતા?
- 6 – દક્ષિણ આફ્રિકા વિ, કોલકાતા (2025)
- 5 – ઇંગ્લેન્ડ, માન્ચેસ્ટર (2025)
- 5 – વેસ્ટ ઇન્ડીઝ, અમદાવાદ (2025)
- 5 – વેસ્ટ ઈન્ડીઝ, દિલ્હી (2025)
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
દક્ષિણ આફ્રિકા : એડન માર્કરામ, રયાન રિકેલ્ટન, વિઆન મુલ્ડર, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જ્યોર્જી, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઇલ વેરિન (વિકેટકીપર), સાઇમન હાર્મર, માર્કો જાન્સેન, કોર્બિન બોશ, કેશવ મહારાજ.





