India-West Indies series : વેસ્ટ ઈન્ડીઝ સામે 12 જુલાઈથી શરુ થઈ રહેલી બે ટેસ્ટની શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાંથી પડતો મુકવામાં આવેલા ચેતેશ્વર પુજારાના સમર્થનમાં ભારતનો ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા પણ આવ્યો છે. તેણે પૂજારાને બહાર કરવાને લઇને વિરાટ કોહલીના ટીમમાં સ્થાનને લઇને સવાલ ઉઠાવ્યા છે. આકાશ ચોપરાએ કહ્યું છે કે જો પૂજારાને તેના પર્ફોમન્સને કારણે પડતો મુકવામાં આવ્યો હોય તો કોહલીની બેટીંગ એવરેજ પણ પૂજારા જેટલી જ છે.
આકાશ ચોપડાએ રજૂ કર્યા કેટલાક આંકડા
યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ કરાયેલા વીડિયોમાં આકાશ ચોપરાએ કહ્યું છે કે પૂજારા હવે ટીમમાં નથી. એક જ સવાલ છે કે શું આ નિર્ણય યોગ્ય છે? હું કોઈ અભિપ્રાય આપતો નથી પણ છેલ્લા ત્રણ વર્ષમાં કેટલાક ભારતીય ક્રિકેટરોના ટેસ્ટ ક્રિકેટના કેટલાક આંકડા રજૂ કરી રહ્યો છું. રોહિત શર્માએ 18 મેચમાં 43ની એવરેજથી સૌથી વધુ રન બનાવ્યા છે.
આ પણ વાંચો – ટીમ ઇન્ડિયાની જાહેરાત, ચેતેશ્વર પૂજારાને ડ્રોપ કર્યો, ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલને તક મળી
કોહલી અને પૂજારાની એવરેજ બરાબર – આકાશ ચોપડા
શુભમન ગિલની 16 મેચમાં 32 અને કેએલ રાહુલની 11 મેચમાં 30ની એવરેજ છે. પૂજારાની 28 મેચમાં 29.69ની એવરેજ છે, જ્યારે આ જ સમયગાળામાં વિરાટ કોહલીની એવરેજ પણ પૂજારા જેવી જ છે, પરંતુ કોહલીએ પૂજારા કરતા 3 મેચ વધારે રમી છે. ત્યારે બંને ખેલાડીઓની એવરેજ બરાબર છે. આ સાથે જ 20 મેચ રમી ચૂકેલા રહાણેની એવરેજ સૌથી ખરાબ છે. રહાણેની એવરેજ 26.50ની છે.
રહાણે અને પૂજારા કરી ચુક્યા છે વાપસીઃ ચોપરા
આકાશ ચોપરાએ વધુમાં જણાવ્યું હતું કે આ એવા આંકડા હતા જેના આધારે પસંદગીકારોએ પૂજારાને ટીમમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. એવી વાતો હાલ ન થવી જોઈએ કે પૂજારા હવે વાપસી કરશે નહીં. અજિંક્ય રહાણે પણ આ રીતે પાછો ફર્યો છે. પૂજારા પોતે પણ આ પહેલા ટીમની બહાર થયો છે અને પછી કાઉન્ટીમાં સારું પ્રદર્શન કરીને ફરી ટીમમાં પરત ફર્યો હતો.
ભારતની ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), કેએસ ભરત (વિકેટકિપર), ઇશાન કિશન (વિકેટકિપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ , મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની
ભારતની વન-ડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકિપર), ઇશાન કિશન (વિકેટકિપર), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.





