Indian Cricket Team 2023 Schedule : જૂન 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય પછી ટીમ ઇન્ડિયાને એક મહિનાનો લાંબો બ્રેક મળ્યો હતો. 11 જૂને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનું પરિણામ આવ્યું હતું. આ પછી હવે 12 જુલાઇએ ભારતનો વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ શરુ થશે. આ પછી આગામી પાંચ મહિના સુધી શ્વાસ લેવાનો પણ ટાઇમ હશે નહીં. વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસમાં બે ટેસ્ટ સિવાય 3 વન-ડે અને પાંચ મેચની ટી-20 શ્રેણી રમાશે. તેની 2 મેચો અમેરિકામાં રમાશે. ભારતીય ટીમ જુલાઇ 2023થી નવેમ્બર 2023 દરમિયાન વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ, આયરલેન્ડ પ્રવાસ, એશિયા કપ, એશિયન ગેમ્સ, ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી, વર્લ્ડ કપ અને પછી ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણી રમશે.
ટીમ ઇન્ડિયાના આગામી 5 મહિનાના કાર્યક્રમ પર એક નજર
ભારતનો વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ
ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે 2 ટેસ્ટ, 3 વન-ડે અને 5 ટી-20 મેચની શ્રેણી રમશે. આ શ્રેણી 12 જુલાઇથી શરુ થશે અને 13 ઓગસ્ટના રોજ પુરી થશે.
ભારતનો આયરલેન્ડ પ્રવાસ
ભારતીય ટીમ ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે આયરલેન્ડનો પ્રવાસ કરશે. પ્રથમ મેચ 18 ઓગસ્ટે, બીજી મેચ 20 ઓગસ્ટ અને ત્રીજી ટી-20 મેચ 23 ઓગસ્ટે રમાશે.
એશિયા કપ 2023
વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને એશિયા કપ 2023 વન-ડે ફોર્મેટમાં રમાશે. બીસીસીઆઈએ પાકિસ્તાનના પ્રવાસે જવાની મનાઇ કરી દીધી છે. આવામાં હાઇબ્રિડ મોડલમાં ટૂર્નામેન્ટ યોજાશે. 4 મેચ પાકિસ્તાનમાં થશે અને 9 મેચ શ્રીલંકામાં રમાશે. ટૂર્નામેન્ટ 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. ભારત આ દરમિયાન ગ્રુપ સ્ટેજમાં 2 મેચ રમશે. આ પછી સુપર 4 માં પહોંચવા પર 3 મેચ રમશે. પછી ફાઇનલમાં પહોંચે તો એક મેચ રમશે. આમ ટૂર્નામેન્ટમાં કુલ 6 મેચ રમી શકે છે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ 2023 : ભારતીય ક્રિકેટ ટીમ ક્યારે અને કોની સામે રમશે મેચ, જાણો ટીમ ઇન્ડિયાનો સંપૂર્ણ કાર્યક્રમ
ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ
એશિયા કપ પછી ભારતીચ ટીમ 20 ઓવરના વર્લ્ડ કપ પહેલા ત્રણ મેચોની વન-ડે શ્રેણી ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ માટે ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે આવશે.
એશિયન ગેમ્સ 2023
ગત દિવસોમાં બીસીસીઆઈએ જાણકારી આપી હતી કે ભારત એશિયન ગેમ્સમાં ક્રિકેટમાં ભાગ લેશે. ચીનનાં હાંગઝુમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી આ ગેમ્સ રમાશે. વર્લ્ડ કપમાં ન રમનાર ખેલાડી આ ગેમ્સમાં રમશે. જેમાં ટી-20 મેચ રમાશે.
વર્લ્ડ કપ 2023
ભારતની યજમાનીમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે. 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે ટૂર્નામેન્ટનું આયોજન રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. ટીમ ઇન્ડિયા પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. ગ્રુપ સ્ટેજમાં કુલ 9 મેચ રમાશે. 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે.
ભારત વિ. ઓસ્ટ્રેલિયા ટી-20 શ્રેણી
વન-ડે વર્લ્ડ કપ પછી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નવેમ્બર-ડિસેમ્બરમાં 5 મેચની ટી-20 શ્રેણી રમાશે. ભારતમાં રમાનાર આ શ્રેણીનો કાર્યક્રમ હજુ જાહેર થયો નથી.





