Bronco Test : ટોચના ભારતીય ક્રિકેટરોની ફિટનેસ સુનિશ્ચિત કરવા અને તેમની એરોબિક ક્ષમતાને સુધારવા માટે બીસીસીઆઇએ રગ્બી સ્ટાઇલ બ્રોનકો ટેસ્ટ શરુ કર્યો છે. આ ફિટનેસ ટેસ્ટમાં 20 મીટર, 40 મીટર અને 60 મીટરના મલ્ટીપલ શટલ રન નો સમાવેશ થાય છે. ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે આ સૂચન ભારતીય ટીમના સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ એડ્રિયન લે રોઉક્સ તરફથી આવ્યું છે.
એડ્રિયન લે રોઉક્સ ઈચ્છે છે કે ફાસ્ટ બોલરો જીમ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વધુમાં વધુ દોડે. મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો પણ આવો જ અભિપ્રાય છે. આ સૂચન ઇંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટની શ્રેણી બાદ આવ્યું છે. તેંડુલકર-એન્ડરસન ટ્રોફી દરમિયાન કેટલાક ફાસ્ટ બોલરોનું ફિટનેસ લેવલ સારુ ન હોવાનું જાણવા મળ્યું હતું. માત્ર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ જ બધી જ ટેસ્ટમાં રમ્યો હતો.
કેટલાક ટોચના ખેલાડીઓ બેંગલુરુમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના હાઈ પર્ફોમન્સ સેન્ટર ખાતે અગાઉ પણ બ્રોનકો ટેસ્ટ કરાવી ચૂક્યા છે. બીસીસીઆઇએ ટોચના ક્રિકેટરો માટે ફિટનેસ ટેસ્ટ તરીકે યો-યો ટેસ્ટ અને 2 કિલોમીટરની ટાઈમ ટ્રાયલને પહેલા જ લાગુ કરી દીધી છે.
શું છે બ્રોનકો ટેસ્ટ?
બ્રોનકો ટેસ્ટમાં ખેલાડીની શરૂઆત 20 મીટર શટલ રનથી થાય છે. આ પછી તે 40 મીટર અને 60 મીટર દોડે છે, જે એક સેટ છે. એક ખેલાડીએ અટક્યા વિના જ આવા પાંચ સેટ કરવા પડે છે, જે કુલ મળીને 1,200 મીટર થાય છે. ભારતીય ખેલાડીઓએ 6 મિનિટમાં બ્રોનકો ટેસ્ટ પુરો કરવાનો હોય છે.
આ પણ વાંચો – શુભમન ગિલની પસંદગી પણ હતી મુશ્કેલ, પછી કેવી રીતે મળ્યું ટીમમાં વાઇસ કેપ્ટનનું પદ
એડ્રિયન લે રોઉક્સ જૂનમાં ભારતીય ટીમમાં સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ તરીકે જોડાયા હતા. તેમણે જાન્યુઆરી 2002 થી મે 2003 સુધી પણ ભારતીય ટીમ સાથે આ જ પદ પર સેવા આપી હતી. તેણે ક્રિકેટ દક્ષિણ આફ્રિકા અને ઇન્ડિયન પ્રીમિયર લીગ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ સાથે કામ કરી ચુક્યા છે.
બ્રોનકો ટેસ્ટની જરૂર કેમ પડી?
બીસીસીઆઈના એક સૂત્રએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે સેન્ટર ઓફ એક્સલન્સમાં બ્રોનકો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. ભારતના કેટલાક કરારબદ્ધ ખેલાડીઓ બેંગલુરુ આવીને આ ટેસ્ટ આપી ચૂક્યા છે. બ્રોનકો ટેસ્ટનો ઉપયોગ એ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે કે ફિટનેસના માપડંદ સ્પષ્ટ હોય. એવું પણ જોવા મળ્યું છે કે ભારતીય ક્રિકેટરો ખાસ કરીને ફાસ્ટ બોલરો જિમમાં વધુ સમય પસાર કરતી વખતે પૂરતા પ્રમાણમાં દોડી રહ્યા નથી. ખેલાડીઓને કહેવામાં આવ્યું છે કે તેમને વધુ દોડવું પડશે.
બે કિલોમીટરના ટાઈમ ટ્રાયલમાં ફાસ્ટ બોલરો માટે સ્ટાન્ડર્ડ 8 મિનિટ અને 15 સેકન્ડનું હતું. બેટ્સમેન, વિકેટકીપર અને સ્પિનર્સ માટે તે 8 મિનિટ 30 સેકન્ડની હતી. યો-યો ટેસ્ટમાં 20 મીટરના અંતરે મૂકવામાં આવેલા માર્કર્સ વચ્ચે વધતી જતી ઝડપે દોડવાનો સમાવેશ થાય છે, જેમાં પ્રત્યેક 40 મીટર રેસ વચ્ચે 10 સેકન્ડનો બ્રેક હોય છે. ભારતીય ટીમ માટે યો-યો લેવલ 17.1 નક્કી કરવામાં આવ્યું હતું.