Women’s Asia Cup: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women Cricket Team) શનિવારે બાંગ્લાદેશના સિલ્હેટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા (Sri Lanka) ને 8 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે ટીમ 8 માંથી 7મી વખત ટુર્નામેન્ટની ચેમ્પિયન બની હતી. 2012 પહેલા આ ટુર્નામેન્ટ ODI ફોર્મેટમાં રમાતી હતી. ભારતીય મહિલા ટીમ દરેક વખતે ફાઇનલમાં પહોંચી છે. બાંગ્લાદેશે તેને વર્ષ 2018માં હરાવ્યું હતું. આ સિવાય ભારતીય ટીમ જ ચેમ્પિયન બની છે.
ઈનોકા રણવીરાએ સૌથી વધુ 18 રન બનાવ્યા હતા
ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરીને શ્રીલંકા 20 ઓવરમાં 9 વિકેટે 65 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી રેણુકા સિંહે ત્રણ જ્યારે રાજેશ્વરી ગાયકવાડ અને સ્નેહ રાણાએ બે-બે વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી માત્ર બે બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા. નંબર 10 બેટ્સમેન ઈનોકા રણવીરાએ સૌથી વધુ 18 રન બનાવ્યા હતા. ઓશાદી રણસિંઘે 13 રન બનાવ્યા હતા.
સ્મૃતિ મંધાનાએ 25 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા
ભારતીય ટીમે 8.3 ઓવરમાં 66 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમે બે વિકેટે 71 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ 25 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર 11 રન બનાવીને અણનમ રહી હતી. શેફાલી વર્મા 5 અને જેમિમા રોડ્રિગ્સે 2 રન બનાવીને આઉટ થયા હતા. ઈનોકા રણવીરા અને કવિશા દિલહારીએ 1-1 વિકેટ લીધી હતી.
ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું
ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. લીગ તબક્કામાં, ટીમ માત્ર પાકિસ્તાન સામે હારી ગઈ હતી અને પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર રહી હતી. ખેલાડીઓના પ્રદર્શનથી ખુશ કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ દરમિયાન કહ્યું કે ટૂર્નામેન્ટમાં અલગ-અલગ સમયે અલગ-અલગ ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું. ફાઇનલમાં રેણુકા સિંહે બોલ અને મંધાનાએ બેટ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રેણુકા સિંઘને પ્લેયર ઓફ ધ મેચ અને દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવી હતી.