આઈપીએલ 2023માં કોરોના વાયરસની એન્ટ્રી થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાનો પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપડા કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. તેણે પોતે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. આકાશ ચોપડાએ ટ્વિટ કરીને કહ્યું કે કોવિડે કોટ એન્ડ બોલ્ડ કરી દીધો છે. જી, હા વાયરસે ફરી એક વખત ઝપેટમાં લઇ લીધો છે. લક્ષણો હળવા છે અને બધુ કંટ્રોલમાં છે. આગામી કેટલાક દિવસો સુધી કોમેન્ટ્રી કરી શકીશ નહીં અને મજબૂતીથી વાપસીની આશા કરી રહ્યો છું.
આઈપીએલ ટૂર્નામેન્ટમાં કોરોનાને લઇને ઘણા સખત નિયમો છે. છેલ્લી ત્રણ સિઝનની જેમ આ વખતે બાયો બબલ બનાવવામાં આવ્યું નથી. જોકે સંક્રમિત થનાર વ્યક્તિએ સાત દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડશે. બે વખત નેગેટિવ આવ્યા પછી તે આઈસોલેશનથી બહાર આવશે.
છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ કોરોનાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો – ઈમ્પેક્ટ પ્લેયર નિયમ: આઈપીએલ 2023માં અત્યાર સુધી ટીમોએ કેવી રીતે કર્યો ઉપયોગ?
આઈપીએલ 2023માં કોરોનાના નિયમો
ઇએસપીએન ક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે આઈપીએલની આ સિઝનમાં કોરોનાને લઇને ઘણા સખત નિયમ બનાવવામાં આવ્યા છે. નિયમ પ્રમાણે કોરોનાની ટેસ્ટિંગ ફક્ત તેમની થશે જેનામાં લક્ષણો હશે. સંક્રમિત થયા પછી પાંચ દિવસ બાદ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. એક વખત રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી 24 કલાક બાદ ફરી ટેસ્ટ કરાવવો પડશે. 24 કલાકમાં બે આરટી પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી આઈસોલેશનથી બહાર આવી શકાશે.
કોરોના પોઝિટિવ ખેલાડી રમી ચુક્યા છે મેચ
આઈપીએલમાં ભલે સખત નિયમ હોય પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અને અન્ય રમતોમાં કોરોનાને લઇને નિયમોમાં ઘણી ઢીલ આપવામાં આવી છે. ગત વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચમાં તાહલિયા મેકગ્રા કોરોનાગ્રસ્ત હોવા છતા રમી હતી. થોડા મહિના પછી ટી-20 વર્લ્ડ કપમાં કોરોના સંક્રમિત થયા પછી પણ મેથ્યુ વેડ રમ્યો હતો.