આઈપીએલ-2023માં ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરશે. ઇએસપીએનક્રિકઇન્ફોએ ગુરુવારે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર ઇજાગ્રસ્ત ઋષભ પંતની ગેરહાજરીમાં આઈપીએલ-2023માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરશે. મુખ્ય કોચ રિકી પોન્ટિંગ અને ટીમ મેનેજમેન્ટ એ વાતથી સહમત છે કે અંતરિમ આધાર પર ટીમનું નેતૃત્વ કરવા માટે ઓસ્ટ્રેલિયન સ્ટાર સૌથી સારો વિકલ્પ છે.
આઈપીએલ-2023માંથી ઈજાના કારણે ઋષભ પંત બહાર થવાના કારણે દિલ્હી કેપિટલ્સને એક કેપ્ટનની શોધ હતી. દિલ્હી કેપિટલ્સના કેપ્ટનની રેસમાં ડેવિડ વોર્નર સાથે અક્ષર પટેલ પણ સામેલ હતો. અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવ્યો છે. વોર્નર બીજી વખત દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરશે. આ પહેલા ડેવિડ વોર્નરે 2009થી 2013 સુધી ફ્રેન્ચાઇઝીનો સભ્ય રહેવા દરમિયાન કેટલીક મેચોમાં ટીમની કેપ્ટનશિપ કરી હતી.
વોર્નરે 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદને બનાવ્યું હતું ચેમ્પિયન
ડેવિવ વોર્નરને સનરાઇઝર્સ હૈદરાબાદે 2014માં ખરીદ્યો હતો અને 2016માં તેણે પોતાની આગેવાનીમાં ટીમને ચેમ્પિયન બનાવી હતી. આઈપીએલના જીતેલા મુકાબલાની વાત કરવામાં આવે તો ડેવિડ વોર્નર સંયુક્ત રીતે પાંચમો સૌથી સફળ કેપ્ટન છે. તેણે કેપ્ટન તરીકે 69માંથી 35 મેચમાં જીત મેળવી છે. જ્યારે 32માં પરાજય થયો છે. બે મેચ ટાઇમાં પરિણમી છે.
આ પણ વાંચો – આઈપીએલ 2023: દક્ષિણ આફ્રિકાના ખેલાડી શરૂઆતી 5 મેચમાં નહીં હોય ઉપલબ્ધ
ખાસ વાત એ છે કે ડેવિડ વોર્નર પર કેપ્ટનશિપનું દબાણ જોવા મળ્યું નથી. તેણે કેપ્ટન તરીકે 47.33ની એવરેજ અને 142.28ની સ્ટ્રાઇક રેટથી 2840 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 26 અડધી સદી ફટકારી છે. જોકે આઇપીએલ 2021માં ખરાબ પ્રદર્શનના કારણે હૈદરાબાદે વોર્નરને ટીમમાંથી બહાર કર્યો હતો અને કેન વિલિયમ્સનને કેપ્ટન બનાવ્યો હતો. આ કારણે વોર્નર અને હૈદરાબાદ વચ્ચે મતભેદના સમાચાર પણ સામે આવ્યા હતા. હૈદરાબાદે તેને 2022ની મેગા હરાજી પહેલા રિલીઝ કરી દીધો હતો.
વોર્નરને દિલ્હી કેપિટલ્સે 6.25 કરોડમાં ખરીદ્યો
આઈપીએલ-2022ની મેગા હરાજીમાં દિલ્હી કેપિટલ્સે ડેવિડ વોર્નરને 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે સિઝનમાં તે ટીમનો અગ્રણી રન સ્કોરર હતો. તેણે 48ની એવરેજથી અને 150.52ની સ્ટ્રાઇક રેટથી 432 રન બનાવ્યા હતા. જેમાં 5 અડધી સદી ફટકારી હતી. આઈપીએલ-2022માં દિલ્હીની ટીમ પાંચમાં સ્થાને રહી હતી.