IND vs NZ: IPL 2023 માટે મિની ઓક્શન કોચ્ચિમાં 23 ડિસેમ્બરે થશે. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનને રિલીઝ કર્યો છે. આ દરમિયાન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 નવેમ્બરથી ટી-20 શ્રેણી શરુ થવાની છે. ટી-20 શ્રેણીના કેપ્ટન હાર્દિક પંડ્યાને બુધવારે પૂછવામાં આવ્યું કે વિલિયમ્સનને હરાજીમાં તેની ગુજરાત ટાઇટન્સ કે કોઇ અન્ય ફ્રેન્ચાઇઝી ખરીદશે કે નહીં?
વિલિયમ્સનમાં રસ બતાવશે ગુજરાત ટાઇટન્સ?
હાર્દિક પંડ્યાએ જવાબ આપ્યો કે તે સારા મિત્રો છે. હા તે પિક કરવામાં આવશે. આઈપીએલ તો આઈપીએલ છે. હાલ હું ભારત તરફથી રમી રહ્યો છું. શું ગુજરાત ટાઇટન્સ વિલિયમ્સનમાં રસ બતાવશે? હાર્દિક પંડ્યાએ કહ્યું કે ખબર નથી. આ વિશે વિચાર કરવા માટે ઘણો સમય છે. કેન વિલિયમ્સને કહ્યું કે તે આઈપીએલમાં રમવાનું યથાવત્ રાખવા માંગે છે અને તે 23 ડિસેમ્બરે યોજાનારી હરાજીની રાહ જોઈ રહ્યો છે.
આ પણ વાંચો – કિરોન પોલાર્ડે IPLમાંથી જાહેર કરી નિવૃત્તિ, મુંબઈ ઇન્ડિયન્સે આપી નવી જવાબદારી
સનરાઇઝર્સ મેનેજમેન્ટે વિલિયમ્સન સાથે કરી વાત
શું અન્ય ટીમોએ સંપર્ક કર્યો છે? તેવા સવાલ પર વિલિયમ્સને કશું જ જવાબ આપ્યો ન હતો. વિલિયમ્સન ગત સિઝનમાં સનરાઇઝર્સનો કેપ્ટન હતો. આઈપીએલ 2022માં આઠમાં સ્થાને રહ્યા પછી ફ્રેન્ચાઇઝીએ તેની સાથે 12 ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. વિલિયમ્સને એ પણ કહ્યું કે સનરાઇઝર્સના મેનજમેન્ટે તેને થોડા દિવસો પહેલા રિલીઝ કરવા વિશે વાત કરી હતી.
વિલિયમ્સને કર્યું હતું ખરાબ પ્રદર્શન
ગત વર્ષે ડેનિડ વોર્નર સાથે સંબંધ ખરાબ થયા પછી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-2022ની સિઝન પહેલા વિલિયમ્સનને પોતાનો ફુલ ટાઇમ કેપ્ટન બનાવ્યો હતો અને 14 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. જોકે સિઝનના પ્રથમ ભાગમાં સતત પાંચ જીતવા છતા ટીમ ફક્ત 14 માંથી 6 મેચમાં જ જીત મેળવી શકી હતી. વિલિયમ્સને 13 ઇનિંગ્સમાં 93.50ની સ્ટ્રાઇક રેટથી 216 રન બનાવ્યા હતા.