scorecardresearch

આઈપીએલ 2023: આ ડાબોડી પ્લેયર્સ ભારતીય ટીમમાં સ્થાન મેળવવા છે આતુર, આ સિઝનમાં રહ્યું શાનદાર પ્રદર્શન

IPL 2023 : આ સિઝનમાં ભારતના ડાબોડી યુવા પ્લેયર્સ ચમક્યા છે. પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે અને ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા ફેવરિટ બની રહ્યા છે

ipl 2023 new left handed batsmen
યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહ (તસવીર – ફેસબુક)

IPL 2023 : આઈપીએલ 2023 તેના અંતિમ પડાવ પર પહોંચી ગઇ છે. હવે ફક્ત બે મેચો બાકી રહી છે. આ સિઝનમાં ઘણા યુવા ખેલાડીઓ ચમક્યા છે તો ઘણા ફ્લોપ રહ્યા છે. આઈપીએલ શરૂ થયા પછી ખેલાડીઓએ પોતાની શૈલી અને ટેકનિકથી તેમાં રોમાંચ ભર્યો છે. આઈપીએલની સોળમી સિઝન વધુ રસપ્રદ બની હતી. 200થી વધુ રન પણ ઘણી વખત થયા છે અને તે પડકાર ચેઝ પણ કરવામાં આવ્યો છે. આ સિઝનમાં ભારતના ડાબોડી યુવા પ્લેયર્સ ચમક્યા છે. જેના વિશે તમને જણાવી રહ્યા છીએ.

ક્રિકેટમાં ઘણા ડાબોડી પ્લેયર્સે શાનદાર રમત બતાવી છે. તેની ઘણી લાંબી યાદી છે. ગેરી સોબર્સ, ક્લાઇવ લોઇડ, એલ્વિન કાલિચરન, બ્રાયન લારા, ક્રિસ ગેઇલ, નિકોલસ પૂરન, સનથ જયસૂર્યા, કુમાર સંગાકારા, એલન બોર્ડર, એડમ ગિલક્રિસ્ટ, મેથ્યુ હેડન, ડેવિડ વોર્નર, જ્હોન રાઇટ, ડેવિડ ગોવર, બેન સ્ટોક્સ, સઇદ અનવર, ડેવિડ મિલર, ગ્રીમ પોલોક, ક્વિન્ટન ડી કોકનો સમાવેશ થાય છે. ભારતીય પ્લેયર્સમાં સૌરવ ગાંગુલી, યુવરાજ સિંહ, શિખર ધવન, ગૌતમ ગંભીર અને રિષભ પંતે જબરજસ્ત પ્રતિભા દર્શાવી છે.

આ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જ્યાં વિદેશી પ્લેયર્સનોનો દબદબો હતો તો ભારતીયો પણ પાછળ ન હતા. રાજસ્થાન રોયલ્સના યશસ્વી જયસ્વાલ, કોલકાતા નાઈટ રાઈડર્સના રિંકુ સિંહ અને નીતિશ રાણા, મુંબઈ ઈન્ડિયન્સના ઈશાન કિશન અને તિલક વર્મા, ચેન્નઈ સુપર કિંગ્સના શિવમ દુબેએ આક્રમક રમત રમી છે. આ તમામ મેચ વિનર પણ સાબિત થયા હતા.

યુવા ખેલાડી તરીકે યશસ્વી જયસ્વાલે આઇપીએલમાં જબરજસ્ત પ્રભાવ પાડયો. પોતાના દમ પર તેણે ટીમ માટે ઘણી મેચ જીતાડી હતી. આ સાથે જ તેણે વધુ અનુભવી ઓપનર જોસ બટલર અને સંજુ સેમસનનું પ્રદર્શન ફિક્કું પાડી દીધું હતું. ફાસ્ટ બોલર હોય કે સ્પિન તે બન્નેને સારી રીતે ફટકારે છે. અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમના આ ખેલાડીએ ઘણા રન બનાવ્યા હતા. ભારતીય ટીમમાં આવ્યા વિના ખેલાડી 600થી વધુ રન બનાવે તે સરાહનીય છે. ઉત્તર પ્રદેશમાં જન્મેલા અને મુંબઈ તરફથી રમતા જયસ્વાલે આઇપીએલની 37 ઈનિંગ્સમાં 1172 રન ફટકાર્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 124 રનનો છે.

આ પણ વાંચો – વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી વધારે સદી ફટકારનાર ખેલાડી બન્યો, ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડ્યો

આ ઉપરાંત તેણે આઇપીએલમાં આઠ અડધી સદી પણ ફટકારી છે. 31.67ની એવરેજ અને 148.7નો સ્ટ્રાઇક રેટ તેની આક્રમક બેટિંગની સાક્ષી પૂરે છે. આઇપીએલની આ સિઝનમાં 14 મેચમાં જયસ્વાલે 48.07ની એવરેજ અને 163.6ની સ્ટ્રાઇક રેટથી 625 રન ફટકાર્યા હતા. આશા છે કે તેઓ ટૂંક સમયમાં જ ભારતીય ટીમનો હિસ્સો બનશે. એક સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. પૂર્વ ક્રિકેટરો તરફથી પણ પ્રશંસા મળી રહી છે.

કોલકાતા નાઇટ રાઇડર્સનો રિંકુ સિંહ પણ ચર્તામાં છે. તેણે પોતાના દમ પર ટીમને કેટલીક મેચોમાં જીત અપાવી હતી. ખાસ કરીને તેણે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં આખરી પાંચ બોલ પર પાંચ છગ્ગા ફટકારતાં હારને જીતમાં ફેરવી હતી. રિંકુ છેલ્લા કેટલાક સમયથી રમી રહ્યો છે પરંતુ આ વખતના પ્રદર્શનથી તે એક ખેલાડીથી સ્ટાર બની ગયો છે. તેણે 14 મેચમાં 474 રન બનાવ્યા છે. દબાણમાં વિચલિત થયા વિના લક્ષ્ય હાંસલ કરવું પ્રશંસનીય છે. તેણે 59.25ની એવરેજ અને 149.52ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.

મુંબઇ ઇન્ડિયન્સના 20 વર્ષીય બેટ્સમેન તિલક વર્માએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. લડાયક મિજાજ અને સાતત્યભર્યા પ્રદર્શને તિલકને મિડલ ઓર્ડરમાં સ્થાન અપાવી શકે છે. વેંકટેશ અય્યરે પણ કેટલીક શાનદાર ઇનિંગ્સ રમીને પોતાની યોગ્યતા સાબિત કરી હતી. પરંતુ રાહુલ તેવટિયા છેલ્લી આ સિઝનમાં પહેલા જેવું પ્રદર્શન કરી શક્યો નહીં. તે આક્રમક બેટિંગ માટે પ્રખ્યાત હતો. પરંતુ આ વખતે ગુજરાત ટાઇટન્સ માટે કંઇ ખાસ કરી શક્યો નથી. તેનો કુલ સ્કોર 100થી પણ આગળ પહોંચી શક્યો નથી.

ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવે (600થી વધુ રન)એ પણ શાનદાર બેટીંગ કરી છે. તેણે રુતુરાજ ગાયકવાડ સાથે મળીને ચેન્નઈ સુપર કિંગ્સને મજબૂત શરૂઆત આપવામાં સફળ રહ્યો હતો. આ ઓપનિંગ જોડીની સફળતાએ પણ ચેન્નઈની ટીમના શ્રેષ્ઠ પ્રદર્શનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતુ. આઇપીએલમાં આ જોડીએ ચાર શતકીય ભાગીદારીઓ નોંધાવી છે.

વેસ્ટ ઈન્ડીઝના ખેલાડી નિકોલસ પૂરને પણ લખનઉ સુપર જાયન્ટ્સને પ્લેઓફમાં લઈ જવામાં ખાસ ભૂમિકા ભજવી હતી. આઇપીએલની સંયુક્ત ફાસ્ટેસ્ટ અડધી સદી પણ આ ખેલાડીના નામે છે. તેણે 19 બોલમાં આ કમાલ કરી હતી. પૂરનના દમ પર લખનઉની ટીમે ઘણી મેચ જીતી હતી.

Web Title: Ipl 2023 new left handed batsmen knocked in indian cricket

Best of Express