ipl 2023 records: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં (IPL 2023) પૂણ થઇ ગઇ છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) 5મી વખત ચેમ્પિયન બન્યું છે. 16 વર્ષના ઈતિહાસમાં ભાગ્યે જ કોઈ સિઝન આટલી રોમાંચક રહી છે. છેલ્લી લીગ મેચ સુધી પ્લેઓફમાં પહોંચનારી ટીમો નક્કી થઈ શકી ન હતી. આ સિવાય 200+ ટાર્ગેટ ઘણો આસાનીથી ચેઝ થયો હતો. પ્લેઓફમાં પ્રથમ વખત કોઈ બોલરે 5 વિકેટ ઝડપી હતી. આઈપીએલ 2023ની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાઈ હતી. ફાઇનલ પણ બંને વચ્ચે રમાઇ હતી. આવું પ્રથમ વખત બન્યું હતું કે જે ટીમો પ્રથમ મેચમાં સામ-સામે હતી તે છેલ્લી મેચમાં પણ સામ-સામે આવી હતી.
16 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બનેલી આવી બાબતો પર એક નજર
ઓપનિંગ અને ફાઈનલ મેચ – આઈપીએલ 2023ની પ્રથમ મેચ ગુજરાત અને ચેન્નઈ વચ્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. ફાઇનલ મેચ પણ ગુજરાત અને ચેન્નઇ વચ્ચે આ જ મેદાન પર રમાઇ હતી.
પ્લેઓફમાં 5 વિકેટ – મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર આકાશ મધવાલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે એલિમિનેટરમાં 5 વિકેટ ઝડપી હતી. પ્રથમ વખત પ્લેઓફમાં કોઇ બોલરે 5 વિકેટ ઝડપી છે. ક્વોલિફાયર-2માં મુંબઈ ઇન્ડિયન્સ સામે ગુજરાતના મોહિત શર્માએ 5 વિકેટ ઝડપી હતી.
સદીઓની હેટ્રિક – IPLના ઈતિહાસમાં પ્રથમ વખત એક દિવસમાં ત્રણ સદી જોવા મળી હતી. લીગ મેચના છેલ્લા દિવસે 21 મેના રોજ મુંબઈના કેમરુન ગ્રીને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી હતી. છેલ્લી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) તરફથી વિરાટ કોહલી અને ગુજરાત ટાઇટન્સ તરફથી શુભમન ગિલે સદી ફટકારી હતી.
આ પણ વાંચો – ipl most runs list 2023 : શુભમન ગિલે કર્યો રનનો વરસાદ, ઓરેન્જ કેપ જીતી, આવો રેકોર્ડ પણ નોંધાવ્યો
સૌથી વધુ સદી – IPL 2023માં સદીઓનો વરસાદ થયો છે. પ્રથમ સદી સનરાઇઝર્સ હૈદરાબાદના હેરી બ્રુકે ફટકારી હતી. છેલ્લી સદી ગુજરાતના શુભમન ગિલે ફટકારી હતી. વિરાટ કોહલી બેક ટુ બેક સદી ફટકારી હતી. ગિલે 4 મેચમાં ત્રણ સદી ફટકારી હતી. આ સિઝનમાં કુલ 12 પ્લેયર્સે સદી ફટકારી છે. આઈપીએલ 2022માં 8 સદી જોવા મળી હતી.
સૌથી વધુ 50+ સ્કોર – આઈપીએલ 2023માં 153 વખત ખેલાડીઓએ 50+ સ્કોર કર્યા છે. આઈપીએલ 2022માં આવું 118 વખત બન્યું હતું.
1100થી વધુ સિક્સર – આઈપીએલ 2023માં 1116 સિક્સર જોવા મળી છે. એક સિઝનમાં આ સૌથી વધુ સિક્સરનોરેકોર્ડ છે. આ પહેલા 2022માં 1062 સિક્સર જોવા મળી હતી.
સૌથી વધુ 200 ચેઝ – આઈપીએલ 2023માં સૌથી વધુ 37 વખત 200 પ્લસ રન બન્યા છે. જેમાં 8 વખત ચેઝ થયા હતા. થયો. વર્ષ 2014માં આવું ત્રણ વખત બન્યું હતું.
કન્સશન સબસ્ટિટ્યુટ – ક્વોલિફાયર 2 માં મુંબઈ ઈન્ડિયન્સના વિકેટકીપર અને ઓપનર ઈશાન કિશનની આંખમાં ક્રિસ જોર્ડનની કોણી વાગી હતી. આ પછી તેને મેદાનમાંથી બહાર જવું પડ્યું હતું. મુંબઈ આઈપીએલ ઈતિહાસમાં કન્સશન સબસ્ટિટ્યુટનો ઉપયોગ કરનાર પ્રથમ ટીમ બની હતી. ઇશાન કિશનના સ્થાને વિષ્ણુ વિનોદ રમવા ઉતર્યો હતો.
પ્લેઓફમાં સૌથી મોટું ટોટલ – ગુજરાત ટાઇટન્સે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ક્વોલિફાયર-2માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 20 ઓવરમાં 3 વિકેટે 233 રન બનાવ્યા હતા. જે પ્લેઓફમાં સૌથી મોટો સ્કોર છે.
રિઝર્વ ડે પર ફાઇનલ – આઈપીએલ 2023ની ફાઇનલ મેરેથોન રેસની જેમ લાંબી ખેંચાઇ હતી. રવિવારે વરસાદના કારણે મેચ થઈ શકી ન હતી. મેચ રિઝર્વ ડે પર રમાઈ હતી. આ દિવસે પણ વરસાદ પડ્યો હતો. લીગના ઈતિહાસમાં પ્રથમ વખત આઈપીએલની ફાઈનલ રિઝર્વ ડે પર રમાઈ હતી.