ipl 2023 records team : આઈપીએલ-2023ની સિઝન ખતમ થઇ ગઇ છે. ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવી ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ ચેમ્પિયન બની છે. સીએસકેની ટીમ પાંચમી વખત ચેમ્પિયન બનવા સફળ રહી છે. આઈપીએલની આ સિઝનમાં ઘણા મોટા સ્કોર જોવા મળ્યા છે. કુલ 37 વખત ટીમોએ 200 કે તેથી વધારે સ્કોર બનાવ્યો છે. આઈપીએલ 2023માં સૌથી મોટો સ્કોર લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે બનાવ્યો છે.
આઇપીએલ 2023નો હાઇએસ્ટ સ્કોર 5 વિકેટે 257 રન
આ સિઝનનો હાઇએસ્ટ સ્કોરનો રેકોર્ડ લખનઉ સુપર જાયન્ટ્સના નામે છે. લખનઉએ 28 એપ્રિલ 2023ના રોજ મોહાલીમાં પંજાબ કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 257 રન બનાવ્યા હતા. માર્કોસ સ્ટોઇનિસે સૌથી વધારે 72 રન ફટકાર્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 19.5 ઓવરમાં 201 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. લખનઉએ આઈપીએલના ઇતિહાસનો બીજા નંબરનો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો હતો. આઈપીએલમાં સૌથી બેસ્ટ સ્કોર 263 રન છે. જે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 2013માં પૂણે વોરિયર્સ સામે બનાવ્યા હતા.
આ પણ વાંચો – આઇપીએલ 2023માં ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ફેરપ્લે અને અન્ય એવોર્ડ વિજેતાઓ
આઈપીએલ 2023માં ટીમના ટોપ 5 સ્કોર
લખનઉ સુપર જાયન્ટ્સ – 257/5ચેન્નઇ સુપર કિંગ્સ – 235/4ગુજરાત ટાઇટન્સ – 233/4સનરાઇઝર્સ હૈદરાબાદ – 228/4ગુજરાત ટાઇટન્સ – 227/2
આઈપીએલ 2023માં સૌથી વધારે 37 વખત 200 પ્લસ સ્કોર નોંધાયો
આઈપીએલની આ સિઝનમાં 200 રન બનાવવામાં પણ રેકોર્ડ સર્જાયો છે. આ સિઝનમાં કુલ 37 વખત 200 કે તેનાથી વધારે સ્કોર બન્યો છે. જે આઈપીએલમાં એક રેકોર્ડ છે. આ પહેલા 2022ની સિઝનમાં સૌથી વધારે 18 વખત જ 200 કે તેનાથી વધારે સ્કોર નોંધાયા હતા. આમ આ વખતે ગત સિઝન કરતા ડબલ 200નો સ્કોર નોંધાયો છે.