Abhishek Sharma Networth : સનરાઇઝર્સ હૈદરાબાદના સિક્સર કિંગ અભિષેક શર્માએ પોતાની વિસ્ફોટક બેટિંગથી આઈપીએલ 2024માં બધાને પ્રભાવિત કર્યા છે. તેની અને ટ્રેવિસ હેડની ઝંઝાવાતી ઓપનિંગ જોડીએ ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. યુવરાજ સિંહને પોતાનો મેન્ટર માનનારો અભિષેક શર્મા આઈપીએલ 2024માં રન બનાવવાના મામલે ટોપ-10માં સામેલ છે. આ પ્રદર્શન બાદ આશા રાખવામાં આવી રહી છે કે અભિષેક જલ્દી જ ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળી શકે છે. અત્યાર સુધી અભિષેક શર્મા ભલે ડેબ્યૂ ન કરી શક્યો હોય પરંતુ તેની કમાણી કરોડોમાં છે.
અભિષેક શર્મા યુવરાજ સિંહનો શિષ્ય
પંજાબ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમનારો અભિષેક શર્મા 2018ની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો. ત્યારથી તે યુવરાજ સિંહની દેખરેખમાં છે, જે તેને ટ્રેનિંગ આપે છે અને તેની દરેક ઈનિંગ્સ પર ચાંપતી નજર રાખે છે. અભિષેકને અંડર-19 વર્લ્ડ કપ અને ડોમેસ્ટિક ક્રિકેટ બાદ આઇપીએલનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, જે તેની કમાણીનો સૌથી મોટો સ્ત્રોત છે.
અભિષેક શર્માની નેટવર્થ
મીડિયા રિપોર્ટ અનુસાર અભિષેક શર્માની કુલ નેટવર્થ 10થી 12 કરોડની વચ્ચે છે. અભિષેકને હજુ સુધી ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી કે તેની પાસે બીસીસીઆઈનો કોઈ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ નથી. આઈપીએલ ઉપરાંત તે ડોમેસ્ટિક ક્રિકેટ રમીને કમાણી કરે છે.
આ પણ વાંચો – આઈપીએલ 2024, કોલકાતા નાઈટ રાઈડર્સ ફાઇનલમાં, હૈદરાબાદને બીજી તક મળશે
IPL માંથી બમ્પર કમાણી
અભિષેક શર્મા ડોમેસ્ટિક ક્રિકેટમાં પંજાબ તરફથી રમે છે. તેમને ફર્સ્ટ ક્લાસ મેચો, ટી-20 અને લિસ્ટ એ મેચો માટે મેચ ફી ચૂકવવામાં આવે છે, જે લાખોમાં છે. અભિષેક 2018થી આઈપીએલમાં રમી રહ્યો છે. તેને દિલ્હી ડેરડેવિલ્સે 55 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછીની સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ટ્રેડમાં આપ્યો હતો. વર્ષ 2021 સુધી અભિષેકને પ્રતિ સિઝન 55 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. જોકે 2022ની મેગા હરાજી બાદ આ રકમ વધીને રૂપિયા 6.5 કરોડ થઈ ગઈ હતી.
બ્રાન્ડ્સ અને કાર કલેક્શન
અભિષેક શર્માએ હજુ સુધી ટીમ ઈન્ડિયા તરફથી ડેબ્યૂ કર્યું નથી, આમ છતાં તે colexiom.io, TCL,Ton જેવી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. આ સિવાય તેમને બેટ પર એસએસના સ્ટીકર માટે પણ પૈસા મળે છે. આઈપીએલ 2024 બાદ તેની નેટવર્થમાં વધારો થવાની આશા છે. અભિષેક શર્માના ઘર વિશે વધુ માહિતી નથી. જોકે અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિષેકે અમૃતસરના પોશ વિસ્તારમાં એક ઘર લીધું છે. કારના કલેક્શનની વાત કરીએ તો તેની પાસે બીએમડબલ્યુ 3 સીરીઝ છે.





