IPL 2024 : આરસીબીના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ માટે આ સિઝન સારી રહી નથી. તે આ સિઝનમાં અત્યાર સુધીમાં છ મેચ રમ્યો છે જેમાં તેણે માત્ર 5.33ની એવરેજથી રન બનાવ્યા છે. બોલિંગ કરતી વખતે તેનો ઇકોનોમી રેટ 8.44નો રહ્યો છે.
મેક્સવેલને ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ઈજા થઈ હતી અને તે તેની આગામી મેચ રમશે તે નિશ્ચિત નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ રહેલા મેક્સવેલે આઇપીએલમાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આમ છતા તે સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ છે.
મેક્સવેલ આરસીબીને માથે પડી રહ્યો છે
ગ્લેન મેક્સવેલને આઈપીએલ 2021માં આરસીબીએ 14.25 કરોડમાં ખરીદ્યો હતો. જો આ અંતર્ગત જોઇએ તો અત્યાર સુધીમાં તે 6 મેચ રમ્યો છે જેમાં તેની એવરેજ કિંમત છ કરોડ છે. આ છ મેચમાં તેના બેટમાંથી 32 રન નીકળ્યા છે. એટલે કે હાલમાં આરસીબીને તેનો એક રન 19,08,482 રૂપિયામાં પડ્યો છે.
સાત સિઝનમાં સરેરાશ 20થી ઓછી
મેક્સવેલની તમામ સિઝનની વાત કરીએ તો સમજાય છે કે આઇપીએલમાં તેનું બેટ ઓછું ચાલ્યું છે. તે 12 સિઝન રમ્યો છે. આ 12માંથી સાત સિઝનમાં તેની એવરેજ 20થી ઓછી રહી છે. ગ્લેન મેક્સવેલે આઈપીએલમાં 130 મેચ રમ્યો છે. આ 130 મેચમાં તેણે 25.24ની એવરેજથી 2751 રન બનાવ્યા છે. આ આક્રમક બેટ્સમેને એકપણ સદી ફટકારી નથી. તેના નામે 18 અડધી સદી છે.
આ પણ વાંચો – કોહલીએ રોહિત સાથે પોતાના સંબંધો પર કર્યો મોટો ખુલાસો, આ ઇનિંગ્સ વિરાટને છે સૌથી વધારે પસંદ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે જે પ્રકારની સફળતા મેળવી છે, તેવી સફળતા તે આઇપીએલમાં મેળવી શક્યો નથી. આમ છતાં તેને હરાજીમાં ઘણી વખત મોટી રકમ મળતી રહી છે. આ પાછળનું કારણ મેક્સવેલનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન છે.
બોલિંગથી પણ પ્રભાવિત કરી શક્યો નથી
બોલિંગની વાત કરીએ તો મેક્સવેલ અહીં પણ નિરાશ કરતો જોવા મળે છે. તેણે 130 મેચમાં 902 બોલ નાંખ્યા છે. આ દરમિયાન તે માત્ર 35 વિકેટ જ ઝડપી શક્યો છે. મેક્સવેલે 8.31ના ઇકોનોમી રેટથી રન આપ્યા છે. આ સિઝનની વાત કરીએ તો તેણે છ મેચમાં 54 બોલ નાખ્યા છે. આ 54 બોલમાં તેણે 76 રન આપ્યા હતા અને માત્ર ચાર વિકેટ ઝડપી છે.