Hardik Pandya new Mumbai Indians captain : મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત આઈપીએલમાં ચેમ્પિયન બનાવનાર રોહિત શર્મા હવે આગામી સિઝનમાં આ ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે નહીં. આઈપીએલ 2014ની સિઝનમાં ગુજરાત ટાઇટન્સમાંથી પરત ફરેલો હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. હાર્દિક પંડ્યા 2022માં મુંબઈ છોડીને ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયો હતો અને ત્યાર બાદ આ ટીમનો કેપ્ટન બન્યો હતો. આ પછી વર્ષ 2022માં ગુજરાત ચેમ્પિયન બન્યું હતુ. ત્યાર બાદ 2023માં ટીમ રનર્સઅપ રહી હતી. જોકે આઇપીએલ 2024ની હરાજી અગાઉ જ મુંબઈએ અત્યંત નાટકીય અંદાજમાં હાર્દિકને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આમ જોવા જઈએ તો રોહિત શર્મા આ ટીમનો કેપ્ટન નહીં હોય, પરંતુ તે ટીમ તરફથી રમતો જોવા મળશે. આ વખતે મુંબઈએ રોહિત શર્માને રિટેન કર્યો છે.
મુંબઈ ઇન્ડિયન્સ રોહિતની કેપ્ટનશિપમાં પાંચ વખત ચેમ્પિયન બની
રોહિત શર્મા જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો ત્યારે આ ટીમ એક પણ વખત આઇપીએલ વિજેતા બની ન હતી. પરંતુ હિટમેન કેપ્ટન બનતા જ ટીમમાં પરિવર્તન આવ્યું હતું અને તેની કેપ્ટન્સીમાં આ ટીમે પાંચ વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ 2013, 2015, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન બની હતી. રોહિત શર્મા આઇપીએલમાં પોતાની ટીમને 5 વખત ચેમ્પિયન બનાવનાર પ્રથમ કેપ્ટન બન્યો હતો. રોહિત શર્મા વર્ષ 2013માં આ ટીમનો કેપ્ટન બન્યો હતો અને આ ટીમ સાથે કેપ્ટન તરીકેની તેની ગોલ્ડન સફરનો અંત આવ્યો છે.
કેપ્ટન તરીકે રોહિત શર્માનું પ્રદર્શન
રોહિત શર્માએ 10 વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરી હતી અને આ દરમિયાન તેની કેપ્ટન્સીમાં ટીમે 158 મેચ રમી હતી. જેમાં ટીમે 87 મેચ જીત મેળવી હતી 67 મેચ ગુમાવી હતી. જ્યારે આ દરમિયાન 4 મેચ ટાઈ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સે એક અખબારી યાદી દ્વારા રોહિત શર્માને કેપ્ટનપદેથી દૂર કરવાની જાહેરાત કરી હતી. ટીમના ગ્લોબલ હેડ ઓફ પર્ફોમન્સ મહેલા જયવર્દનેએ જણાવ્યું હતું કે અમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો અને રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડયાને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યાને મુંબઇ ઇન્ડિયન્સમાંથી કેમ જવા દીધો? ગુજરાત ટાઇટન્સે જણાવ્યું કારણ
મુંબઈએ રોહિતનો આભાર માન્યો
રોહિત શર્માને કેપ્ટનશિપમાંથી હટાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મુંબઈ તરફથી કહેવામાં આવ્યું કે અમે તેની અસાધારણ કેપ્ટનશિપ અને 2013થી તેણે જે રીતે ટીમનું નેતૃત્વ કર્યું છે અને ટીમને સફળતા અપાવી તે કમાલની છે. આઇપીએલના ઈતિહાસના શ્રેષ્ઠતમ કેપ્ટનોમાં સ્થાન ધરાવતા રોહિત શર્માના માર્ગદર્શનમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અત્યાર સુધીની સૌથી સફળ અને ફેવરિટ ટીમોમાંથી એક બની ગઇ છે. અમે મુંબઈ ઈન્ડિયન્સને વધુ મજબૂત બનાવવા માટે મેદાનની અંદર અને બહાર તેમના માર્ગદર્શન અને અનુભવની રાહ જોઈ રહ્યા છીએ. અમે હાર્દિક પંડયાને મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન તરીકે આવકારીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ.
હાર્દિકનો મુંબઈ ઈન્ડિયન્સ સાથે ખાસ સંબંધ રહ્યો છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત આ ટીમથી કરી હતી, જ્યારે તેને 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ પર ખરીદવામાં આવ્યો હતો. દર વર્ષે સારા પ્રદર્શન બાદ વર્ષ 2016માં તેના માટે ટીમ ઇન્ડિયાના દરવાજા પણ ખુલ્યા હતા. હાર્દિક 2015થી 2021ની વચ્ચે મુંબઈનો ભાગ હતો. આ દરમિયાન ટીમે ચાર વખત ચેમ્પિયન બની હતી.





