IPL 2024, Gujarat Titans vs Kolkata Knight Riders : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 13 મે ને સોમવારના રોજ ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. વરસાદના કારણે આ મેચમાં ટોસ પણ થઇ શક્યો ન હતો. મેચ રદ થતા બન્ને ટીમોને 1-1 પોઇન્ટ મળ્યા હતા. આ ગુજરાતની ઘરેલું મેદાનમાં અંતિમ મેચ હતી. પ્રશંસકો પણ મોટી સંખ્યામાં મેચ જોવા આવ્યા હતા. જોકે તેમની આશા પર પાણી ફરી વળ્યું હતું.
હવે બધાને એક સવાલ થાય કે મેચ રમાઇ નથી તો પ્રશંસકોને ટિકિટના પૈસા પાછા મળશે કે નહીં. જો તમને જણાવી દઈએ કે પ્રશંસકોને ટિકિટના બધા જ પૈસા રિફંડ મળી જશે. ગુજરાતના ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદ સિંહે કહ્યું હતું કે અમને અફસોસ છે કે વરસાદના કારણે અમે મેચ રમી શક્યા નહીં. જોકે ટીમના શાનદાર સમર્થન અને સન્માનમાં અમે બધા ટિકિટ ધારકોને પુરા પૈસા પાછા આપી દઇશું.

આ પણ વાંચો – આઈપીએલ 2024 પ્લેઓફની ટિકિટ કેવી રીતે ખરીદવી, અમદાવાદમાં રમાશે બે મેચ
કેવી રીતે કરવો રિફંડનો દાવો
ટિકિટ વાપસી માટે પોતાની વેલિડ ફિઝિકલ ટિકિટને સંભાળીને રાખજો. પ્રશંસકોને ટિકિટના પુરા પૈસા પાછા મળશે. પેટીએમ ઇનસાઇડ દ્વારા ટિકિટ ધારકોને એક ઇમેઇલ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બધી પ્રક્રિયા ઈમેલ અને વોટ્સએપ કોમ્યુનિકેશન દ્વારા શેર કરવામાં આવશે. ઉપરાંત વધુ માહિતી માટે ગુજરાત ટાઇટન્સ અને તેમની સોશિયલ ચેનલો સાથે જોડાયેલા રહો. એટલે કે ઇમેઇલ અને વોટ્સઅપ દ્વારા ટિકિટ ખરીદનારને બધી માહિતી મળી જશે. ટિકિટ ધારકોને વધુ એક મેસેજ મળ્યો છે. જેમાં રિફંડની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.
ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાંથી બહાર
મેચ ભલે ના રમાઇ હોય પણ કેપ્ટન શુભમન ગિલ અને આખી ટીમે સ્ટેડિયમનું ચક્કર લગાવીને પ્રશંસકોનો આભાર માન્યો હતો.ગુજરાતના ટાઇટન્સના હાલ 11 પોઇન્ટ છે અને તેણે હવે એક જ મેચ રમવાની બાકી છે. જો તેમાં જીત મેળવે તો પણ તેના 13 પોઇન્ટ જ થાય છે. આવી સ્થિતિમાં તે પ્લેઓફમાંથી બહાર થઇ ગયું છે.