IPL 2024 Final KKR vs SRH Head to Head : આઈપીએલ 2024ની ફાઈનલ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 26 મે ના રોજ સાંજે 7.30 કલાકે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદ આ સિઝનમાં 16 મેચ રમ્યું છે. જેમાં 9 મેચમાં વિજય મેળવ્યો છે અને 6 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ હતી. બીજી તરફ કોલકાતા નાઇટ રાઇડર્સનો 15 મેચમાંથી 10 માં વિજય થયો છે અને 3 મેચમાં પરાજય થયો છે. બે મેચ રદ થઇ હતી. આઈપીએલમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો કોલકાતાનું પ્રભુત્વ જોવા મળે છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 27 મેચો રમાઇ છે. જેમાં 18 મેચમાં કોલકાતાનો વિજય થયો છે અને 9 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં કોલકાતાનો હાઈએસ્ટ સ્કોર 208 અને લોએસ્ટ સ્કોર 101 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 228 અને લોએસ્ટ સ્કોર 115 રન છે. 2024ની સિઝનમાં બન્ને બે વખત ટકરાયા છે અને બન્ને મેચમાં કોલકાતાનો વિજય થયો હતો.
આ પણ વાંચો – આરસીબી પ્લેઓફમાં જેની સામે હારે એ ટીમ ચેમ્પિયન બનતી નથી, આ વખતે પણ અજીબ સંયોગ યથાવત્
ચેન્નાઈમાં હૈદરાબાદ અને કોલકાતાનો રેકોર્ડ
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ સ્ટેડિયમમાં 14 મેચ રમ્યું છે. જેમાં 4 મેચમાં વિજય થયો છે અને 10 મેચમાં પરાજય થયો છે. તેનો બેસ્ટ સ્કોર 202 છે અને લોએસ્ટ સ્કોર 108 રન છે.
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદના રેકોર્ડની વાત કરવામાં આવે તો 11 મેચ રમ્યું છે. જેમાં હૈદરાબાદનો 2 મેચમાં વિજય થયો છે અને 9 મેચમાં પરાજય થયો છે. હાઇએસ્ટ સ્કોર 177 રન છે અને લોએસ્ટ સ્કોર 134 રન છે.





