IPL 2024 : આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની હાલત ખરાબ દેખાઈ રહી છે. તે 8 માંથી 7 મેચ હારીને પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે. તે પ્લેઓફની રેસમાંથી બહાર થવાના આરે છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની ટીમનો રવિવારે (21 એપ્રિલ) કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 1 વિકેટે પરાજય થયો હતો. આ પરાજય સાથે આરસીબીની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના ઘણી ઓછી થઇ ગઇ છે.
આરસીબી હવે પ્લેઓફ માટે કેવી રીતે ક્વોલિફાય થઈ શકે છે?
કોલકાતા સામે થયેલા પરાજય પછી આરસીબી હવે બાકીની તમામ મેચ જીતશે તો પણ જો અને તો ની સંભાવના રહેશે . એક ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે 8 જીત એટલે કે 16 પોઇન્ટની જરૂર પડી શકે છે. જો આમ થશે તો આરસીબી બહાર થઇ જશે.
હવે આરસીબી 6 મેચ જીતી લે તો પણ તે પ્લેઓફમાં પહોંચવા માટે પૂરતું નહીં હોય. આરસીબીએ મોટા અંતરથી જીતવું પડશે. આનાથી રન રેટમાં સુધારો થશે અને સંભાવનાઓ રહેશે. હાલ રન રેટ -1.046 છે. આ પછી આરસીબીએ આશા રાખવી પડશે કે પ્લેઓફમાં પહોંચવા માટે 14 પોઇન્ટની જરૂર છે અને તેનાથી વધુ સારી અન્ય કોઈ ટીમનો રનરેટ નથી.
આરસીબી કેવી રીતે પહોંચે પ્લેઓફમાં?
આઈપીએલમાં આરસીબીને હવે 6 મેચો રમવાની બાકી છે. હવે તેની આગામી મેચ 25 એપ્રિલે હૈદરાબાદ સામે છે.તેણે હવે પછીની બધી જ મેચમાં વિજય મેળવવો પડશે. હાલ તેના 2 પોઇન્ટ છે અને જો તે બધી મેચમાં વિજય મેળવે તો તેના 14 પોઇન્ટ થઇ જાય. આ સિવાય તેણે બીજા ટીમના પરિણામ ઉપર પણ આધાર રાખવો પડશે.
આ પણ વાંચો – આઈપીએલમાં મુંબઈ વિ. રાજસ્થાન ટક્કર, બન્ને ટીમનું કેવું છે પ્રદર્શન
માત્ર પંજાબ કિંગ્સ સામે જ આરસીબીએ વિજય મેળવ્યો
આરસીબીને પ્રથમ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે 6 વિકેટે પરાજય આપ્યો હતો. આ પછીની મેચમાં આરસીબીએ પંજાબ કિંગ્સને 4 વિકેટે પરાજય આપ્યો હતો. આ પછી તેનો કોલકાતા, લખનઉ, રાજસ્થાન, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતા સામે હારનો સામનો કરવો પડયો હતો.
રાજસ્થાન રોયલ્સ ટોચ પર
આઇપીએલ 2024 પોઇન્ટ ટેબલની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સની ટીમ 12 પોઇન્ટ સાથે ટોપ પર છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ 10 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ 10 પોઇન્ટ સાથે ત્રીજા નંબર પર છે. ચોથા નંબર પર ચેન્નઈ સુપર કિંગ્સ છે. તેના અને લખનઉ સુપર જાયન્ટ્સના 8-8 પોઇન્ટ છે.





