IPL 2025 Final : આઈપીએલ 2025ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ ફાઇનલ મેચ 3 જૂનનો રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે રમાશે. આ મેચને લઇને પ્રશંસકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ફાઇનલના કારણે હોટલના ભાડા ઘણી વધી ગયા છે અને હવાઇ સફર પણ મોંઘી બની ગઇ છે.
ટ્રાવેલ બુકિંગ વધીને 30-35% થયું
IPL ફાઇનલ પહેલા જ હોટલ અને ટ્રાવેલ કંપનીઓને લોટરી લાગી છે. ગયા સિઝનની સરખામણીમાં ટ્રાવેલ બુકિંગ 20-25% થી વધીને 30-35% થયું છે. હોટલના ભાડામાં પણ 7-10% નો વધારો થયો છે. આ ગયા વર્ષ કરતા 1.5 ગણું વધારે છે. લક્ઝરી હોટલના ભાવમાં પણ વધારો થયો છે. અમદાવાદમાં 3 સ્ટાર હોટલના ભાડા 6,000 થી 8200 રૂપિયા સુધી પહોંચી ગયા છે.
દિલ્હી-અમદાવાદનું ફ્લાઇટનું ભાડુ 25,000 સુધી પહોંચ્યું
મીડિયા રિપોર્ટ પ્રમાણે સોમવારે દિલ્હી, બેંગ્લોર, મુંબઈ અને ચંદીગઢથી અમદાવાદ જતી ફ્લાઇટ્સનું ભાડું 25 હજાર સુધી પહોંચી ગયું છે. સામાન્ય દિવસોમાં આ ભાડું 3500 થી 5000 સુધી હોય છે. ફાઇનલ મેચના બીજા દિવસે (4 જૂન) પણ મુંબઈ, દિલ્હી અને બેંગ્લોરની સવારની ફ્લાઇટનું ભાડું 30 હજાર સુધી પહોંચી ગયું છે. બપોરે 12 વાગ્યા પહેલા બેંગ્લોર જતી કુલ પાંચ ફ્લાઇટ્સ છે. તેમનું હવાઈ ભાડું પણ 12 હજાર રૂપિયાથી વધીને 30 હજાર થઈ ગયું છે.
આ પણ વાંચો – આઈપીએલ 2025 ફાઇનલમાં વરસાદ પડશે તો કેવી રીતે થશે ચેમ્પિયન ટીમનો નિર્ણય, જાણો નિયમ
રેડિસન હોટેલ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર નિખિલ શર્માએ એક મીડિયા સાથની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં 2 અને 3 જૂન માટે માંગમાં 35 ટકાનો વધારો થયો છે અને હોટલના દર મહિનાના બાકીના સમય કરતાં 45 ટકા વધુ છે. રેડિસન બ્લુ અમદાવાદમાં સામાન્ય ઓક્યુપન્સી કરતાં 30 ટકા વધુ બુકિંગ જોવા મળી રહ્યું છે.
આઈપીએલ 2025માં નવો ચેમ્પિયન મળશે
આઈપીએલ 2025માં આ વખતે નવો ચેમ્પિયન મળશે. કારણ કે બંને ટીમો પ્રથમ વખત ટાઇટલ જીતવાના ઉંબરે છે. બંને ટીમો આઇપીએલની પ્રથમ સિઝનથી જ ભાગ લઇ રહી છે, પરંતુ હજુ સુધી તેમને ટ્રોફી મળી નથી.





