IPL 2026 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026ની હરાજી ડિસેમ્બર 2025ના બીજા કે ત્રીજા સપ્તાહમાં થવાની સંભાવના છે. હાલમાં તેની સંભવિત તારીખ 13 થી 15 ડિસેમ્બર સુધી માનવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફ્રેન્ચાઈઝીના ઓફિસિઅલ્સે બીસીસીઆઇ સાથેની વાતચીતમાં આ તારીખો અંગે ચર્ચા કરી છે. જોકે લીગની ગવર્નિંગ કાઉન્સિલે હજુ સુધી કાર્યક્રમ અંગે આખરી નિર્ણય લીધો નથી.
આ વખતે હરાજી ભારતમાં યોજાશે તેવી શક્યતા છે
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડ આ વખતે ભારતમાં હરાજી કરવાના મૂડમાં છે. ફ્રેન્ચાઈઝીઓ પણ માને છે કે મિની હરાજી દેશમાં જ થવી જોઈએ. છેલ્લા બે વર્ષમાં હરાજી વિદેશમાં યોજાઈ હતી. 2023માં દુબઇ અને 2024માં જેદ્દાહ, સાઉદી અરેબિયામાં હરાજી યોજાઇ હતી.
રિટેન્શન લિસ્ટ 15 નવેમ્બર સુધીમાં નક્કી કરવાનું રહેશે
ફ્રેન્ચાઈઝીઓ પાસે ખેલાડીઓની રિટેન્શન લિસ્ટ જમા કરાવવા માટે 15 નવેમ્બર સુધીનો સમય છે. આ તારીખ સુધીમાં દરેક ટીમે કયા ખેલાડીઓને રાખવા અને કોને રિલીઝ કરવા તે જણાવવું પડશે. આ વખતે મોટા ફેરફારોની ખાસ આશા નથી, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) અને રાજસ્થાન રોયલ્સ (આરઆર) એવી બે ટીમો છે જે ગત સિઝનના ખરાબ પ્રદર્શન પછી મોટો ફેરફાર કરી શકે છે.
આ પણ વાંચો – શું રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી જાહેર કરશે નિવૃત્તિ?
કેમરુન ગ્રીન સૌથી હોટ પ્લેયર હોઈ શકે છે
આ હરાજીમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનની સૌથી વધુ ચર્ચા થાય તેવી શક્યતા છે. તે ઈજાના કારણે છેલ્લી હરાજીમાંથી બહાર થઈ ગયો હતો, પણ આ વખતે ઘણી ટીમો તેને પોતાની ટીમમાં લેવા માટે તૈયાર છે.
ડિસેમ્બર 2025માં રોમાંચ ફરીથી વધશે
IPL 2026 ની મિની હરાજી ભલે નાની હોય પરંતુ તે ઘણા મોટા નામોનું ભાગ્ય બદલી શકે છે. બીસીસીઆઇની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઇ રહી છે, પણ ડિસેમ્બર મહિનો ફરી ક્રિકેટ ચાહકો માટે રોમાંચથી ભરેલો રહેવાનો છે તે નિશ્ચિત છે.