IPL 2023 Auction : આઈપીએલ 2023ને લઇને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 23 ડિસેમ્બર 2022ના રોજ કોચ્ચીમાં ખેલાડીઓની મિની હરાજી થશે. IPLની મિની હરાજીમાં કુલ 405 ખેલાડીઓની બોલી લાગશે. શોર્ટલિસ્ટ કરાયેલા 405 ક્રિકેટર્સમાંથી 273 ભારતીય ખેલાડી છે. જ્યારે 132 વિદેશી ક્રિકેટર્સ છે. આ હરાજીમાં ઘણા સ્ટાર ખેલાડીઓની બોલી લાગવાની છે. જેમાં 5 સ્ટાર્સ એવા છે જેમને ખરીદવા ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે જંગ જોવા મળશે અને તેમને ખરીદવા એડી ચોટીનું જોર લગાવશે.
બેન સ્ટોક્સ(Ben Stokes)
આ યાદીમાં સૌથી પ્રથમ નંબરે ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ છે. જેણે ટી-20 વર્લ્ડ કપમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કરીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્ટોક્સની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. ઓલરાઉન્ડર હોવાના કારણે તેના પર ફ્રેન્ચાઇઝી મોટી બોલી લગાવી શકે છે. ગત વખત વ્યસ્ત કાર્યક્રમના કારણે તેણે આઈપીએલમાં ભાગ લીધો ન હતો. તે આઈપીએલમાં 43 મેચ રમ્યો છે. જેમાં 134.50ની સ્ટ્રાઇક રેટથી 920 રન બનાવ્યા છે. તેણે 28 વિકેટ પણ ઝડપી છે.
કેમરૂન ગ્રીન (Cameron Green)
ઓસ્ટ્રેલિયાના યુવા ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને ખરીદવામાં પણ ઘણી ટીમો રસ દાખવી શકે છે. કેમરૂન ગ્રીને હાલમાં જ ભારતીય ટીમ સામે રમાયેલી ત્રણ ટી-20 મેચમાં 214.55ની સ્ટ્રાઇક રેટથી 118 રન બનાવ્યા હતા. તેણે 8 ટી-20 ઇન્ટરનેશલ મેચમાં 2 અડધી સદી સાથે 139 રન બનાવ્યા છે. આ સાથે 5 વિકેટ પણ ઝડપી છે. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે.
સેમ કરન (Sam Curran)
આ યાદીમાં ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનનું નામ પણ સામેલ છે. તેણે ટી-20 વર્લ્ડ કપમાં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે 6 મેચમાં 13 વિકેટ ઝડપી હતી. તેણે ફાઇનલમાં પાકિસ્તાન સામે 3 વિકેટ ઝડપી હતી. તેણ આઈપીએલમાં 32 મેચ રમ્યો છે અને કુલ 32 વિકેટ ઝડપી છે. તેણે 337 રન પણ બનાવ્યા છે. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો – જાણો આઈપીએલની તમામ 10 ટીમના રિટેન કરેલા ખેલાડીઓ, કઈ ફ્રેન્ચાઇઝી પાસે હરાજી માટે કેટલા રૂપિયા બચ્યા?
મનીષ પાંડે (Manish Pandey)
મનીષ પાંડેને ટી-20 સ્પેશ્યાલિસ્ટ પ્લેયર માનવામાં આવે છે. તે મિડલ ઓર્ડરમાં ઉપયોગી બેટ્સમેન સાબિત થઇ શકે છે. 33 વર્ષીય પાંડે આઈપીએલમાં કુલ 160 મેચો રમ્યો છે. જેમાં 121.52ની સ્ટ્રાઇક રેટથી 3648 રન બનાવ્યા છે. તેણે 1 સદી અને 21 અડધી સદી ફટકારી છે. મનીષ પાંડેની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા છે.
નારાયણ જગદીશન (Narayan Jagadeesan)
ગત સિઝનમાં નારાયણ જગદીશન ચેન્નઇ સુપરકિંગ્સનો સભ્ય હતો. જોકે ટીમે તેને રિટેન કર્યો ન હતો. 27 વર્ષનો જગદીશન હાલ શાનદાર ફોર્મમાં છે. તેણે વિજય હઝારે ટ્રોફીમાં સતત પાંચ સદી ફટકારી હતી. જગદીશન પહેલા આવી સિદ્ધિ કોઇ પણ બેટ્સમેન મેળવી શક્યો નથી. હાલમાં જ તેણે 77 બોલમાં સદી ફટકારી હતી.
આ પાંચ ક્રિકેટર્સ સિવાય કેન વિલિયમ્સન, શાકિબ અલ હસન, જેસન રોય, ક્રિસ જોર્ડન, નિકોલસ પૂરન અને જેસન હોલ્ડર ઉપર પણ ફ્રેન્ચાઇઝીએ મોટો દાવ લગાવી શકે છે.