LSG vs MI IPL Eliminator: મુંબઇ ઇન્ડિયન્સે શાનદાર જીત સાથે ક્વોલિફાયર 2 માં પ્રવેશ કરી લીધો છે. મુંબઇ ઇન્ડિયન્સે બુધવારે ચેન્નઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમ ખાતે રમાયેલા LSG vs MI Eliminator મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને ધૂળ ચટાવી 81 રનથી હાર આપી. મુંબઇ ઇન્ડિયન્સે ફરી એકવાર પોતાની તાકાતનો પરચો આપ્યો છે અને હવે આગામી 26 મેના રોજ અમદાવાદ ખાતે ગુજરાત ટાઇટન્સ સામે ક્વોલિફાયર 2 મેચમાં ટકરાશે.
લખનૌ સુપર જાયન્ટ્સને ખરાબ રીતે હરાવવામાં આકાશ મધવાલ મુંબઇ ઇન્ડિયન્સનો હિરો બન્યો. આકાશ મધવાલે 3.3 ઓવરમાં માત્ર 5 રન આપી 5 વિકેટ લીધી અને લખનૌ સુપર જાયન્ટ્સની અડધી ટીમને ઘર ભેગી કરી. માત્ર 5 રન આપી 5 વિકેટ ઝડપી આકાશ મધવાલે આઈપીએલના ઇતિહાસમાં એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. આ પહેલા આઇપીએલમાં અનિલ કુંબલે 5 રન આપીને 5 વિકેટ લેવાનો રેકર્ડ બનાવ્યો છે. આકાશે મઘવાલે કુંબલેના રેકોર્ડ જેવો જ રેકોર્ડ બનાવ્યો છે. આઇપીએલના પ્લેઓફમાં કોઇ પણ બોલરનું આ સૌથી બેસ્ટ પર્ફોર્મન્સ છે.
ચેન્નઇના ચેપક સ્ટેડિયમ ખાતે ટોસ જીતી મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ બેટીંગ લીધી અને 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 182 રન બનાવ્યા. કેમરન ગ્રીને સૌથી વધુ 41 રન બનાવ્યા. મુંબઇ ઇન્ડિયન્સની બેટિંગની શરૂઆત એકંદરે સારી રહી હતી. બે ઓવરમાં 13 રન બનાવ્યા છે. જેમાં રોહિત શર્માએ 13 રન બનાવ્યા પરંતુ લાંબો સમય સુધી મેદાનમાં ટકી શક્યો ન હતો. બાદમાં ઇશાન કિશન પણ આઉટ થતાં ઓપનિંગ જોડી સસ્તામાં આઉટ થઇ હતી. જોકે બાદમાં ગ્રીને બાજી સંભાળી હતી. કેમરન ગ્રીને ધમાકેદાર બેટિંગ કરતા કુણાલ પંડ્યાના બોલ પર સતત 4 ચોકા ફટકાર્યા હતા. (મેચનો ફુલ સ્કોર માટે અહીં ક્લિક કરો )
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 16.3 ઓવરમાં 101 રનમાં ઓલ આઉટ થઇ હતી. જેમાં સૌથી વધુ રન સ્ટોઇનીસે બનાવ્યા હતા. સ્ટોઇનિસે 27 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 40 રન બનાવ્યા હતા. જ્યારે કાયલ માયર્સે 18 અને દિપક હુડ્ડાએ 15 રન બનાવ્યા હતા.
MI vs LSG IPL Eliminator Live updates જુઓ, અહીં ક્લિક કરો
જ્યારે બાકી સાત ખેલાડી બે આંકડાના સ્કોર સુધી પહોંચ્યા ન હતા. આકાશ મધવાલે પાંચ વિકેટ ઝડપી જ્યારે ત્રણ રન આઉટ થયા હતા. જ્યારે ક્રિસ જોર્ડન અને પિયુષ ચાવલાને એક એક વિકેટ મળી હતી.