ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) ની પહેલી સદી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ના વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશનના બેટથી નિકળી છે. આ ઈશાનની આઈપીએલ કારકિર્દીની પહેલી સદી છે. તેણે સનરાઇઝર્સ માટે પોતાની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી. આ પહેલા તેનો સર્વોચ્ચ સ્કોર 99 રન હતો. તેણે આ ઇનિંગ 2020 માં રમી હતી.
તે IPL 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. 2024માં ઈશાનનું પ્રદર્શન સારું નહોતું. તેણે ફક્ત 1 અડધી સદી ફટકારી હતી. IPL 2025 પહેલા મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા તેને રિલીઝ કરવામાં આવ્યો હતો. મેગા ઓક્શનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 11.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઈશાને પહેલી જ મેચમાં સનરાઈઝર્સનો નિર્ણય સાચો સાબિત કર્યો છે.
225.53 સ્ટ્રાઇક રેટ
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. સનરાઇઝર્સ હૈદરાબાદને અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે શાનદાર શરૂઆત અપાવી. જ્યારે ઈશાન બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો ત્યારે હૈદરાબાદનો સ્કોર 3.1 ઓવરમાં 1 વિકેટે 45 રન હતો. અભિષેક શર્મા 11 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાને વિસ્ફોટક બેટિંગ કરી. તેણે 47 બોલમાં 11 ચોગ્ગા અને 6 સિક્સરની મદદથી 106 રન બનાવ્યા અને અણનમ રહ્યો. તેણે 225.53 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા.
ઈશાન કિશનની આઈપીએલ કારકિર્દી
ઈશાન કિશનના આઈપીએલ કારકિર્દીની વાત કરીએ તો તેણે 29.57 ની સરેરાશ અને 139.98 ના સ્ટ્રાઈક રેટથી 2750 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 16 અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે 2016 માં IPL માં ડેબ્યૂ કર્યું હતું. તે સુરેશ રૈનાની આગેવાની હેઠળની ગુજરાત લાયન્સનો ભાગ હતો.





