આયર્લેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત જીતનો સ્વાદ ચાખ્યો, અફઘાનિસ્તાનને હરાવ્યું

અબુધાબીમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં આયર્લેન્ડનો 6 વિકેટે વિજય થયો. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની પ્રથમ જીત છે. પ્રથમ ટેસ્ટ જીતવા માટે આયર્લેન્ડને 8 મેચ લાગી હતી

Written by Ashish Goyal
March 01, 2024 22:58 IST
આયર્લેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત જીતનો સ્વાદ ચાખ્યો, અફઘાનિસ્તાનને હરાવ્યું
આયર્લેન્ડની ક્રિકેટ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ જીત મેળવી (તસવીર સોર્સ - આયર્લેન્ડ ક્રિકેટ ટીમ)

Afghanistan v Ireland Test Match : આયર્લેન્ડની ક્રિકેટ ટીમે તારીખ 1 માર્ચને શુક્રવારે અફઘાનિસ્તાનને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની પ્રથમ જીત છે. આ સાથે જ અફઘાનિસ્તાનનો સતત ત્રીજી ટેસ્ટમાં પરાજય થયો છે. બંને ટીમોને 2018માં ટેસ્ટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના અબુધાબીના ટોલરન્સ ઓવલમાં રમાયેલી મેચમાં આયર્લેન્ડનો 6 વિકેટે વિજય થયો હતો. 111 રનનો ટાર્ગેટ હાંસલ કરવામાં તેની 4 વિકેટ પડી ગઈ હતી. પ્રથમ ટેસ્ટ જીતવા માટે આયર્લેન્ડને 8 મેચ લાગી હતી. બીજી તરફ અફઘાનિસ્તાને બીજી જ ટેસ્ટમાં જીત મેળવી લીધી હતી.

અબુધાબીમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી અને પ્રથમ ઇનિંગ્સમાં 155 રન બનાવી આઉટ થઇ ગઇ હતી. જવાબમાં આયર્લેન્ડે 263 રન કર્યા હતા. અફઘાનિસ્તાનની ટીમે બીજી ઇનિંગમાં 218 રન બનાવ્યા હતા. આયર્લેન્ડને 111 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે 4 વિકેટ ગુમાવી મેળવી લીધો હતો. કેપ્ટન એન્ડ્ર્યુ બાલબર્ની 58 રને અણનમ રહ્યો હતો. આ ઉપરાંત લોર્કન ટકરે 27 રન બનાવ્યા હતા.

બાલબર્ની અને ટકરે અપાવી જીત

આયર્લેન્ડની ટીમ એક સમયે 13 રનમાં 3 વિકેટ ગુમાવીને બેકફૂટ પર આવી ગઈ હતી. ચોથી વિકેટ 39 રને પડી ગઇ હતી. આ પછી બાલબર્ની અને ટકરે ટીમની બાજી સંભાળી જીત અપાવી હતી. બંને વચ્ચે અણનમ 72 રનની ભાગીદારી થઈ હતી. અફઘાનિસ્તાન તરફથી નાવેદ ઝાદરાને 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત નિજાત મસૂદ અને ઝિયા ઉર રહેમાને 1-1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત ક્યારે થશે, સામે આવી તારીખ!

ટેસ્ટમાં આયર્લેન્ડનું પ્રદર્શન

ટેસ્ટનો દરજ્જો મેળવ્યા બાદ આયર્લેન્ડે 2018માં પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટ રમી હતી. આ સિવાય અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે પરાજય થયો હતો. શ્રીલંકા સામે 2 વખત હાર મળી હતી. અફઘાનિસ્તાન સામેની ઐતિહાસિક જીતની સાથે તેણે પહેલી વખત ટેસ્ટ શ્રેણી પણ જીતી લીધી છે. બંને ટીમો વચ્ચે માત્ર 1 ટેસ્ટ રમાઇ હતી.

ટેસ્ટમાં અફઘાનિસ્તાનનો રેકોર્ડ

અફઘાનિસ્તાન કુલ 9 ટેસ્ટ રમ્યું છે. જેમાં 3 ટેસ્ટમાં વિજય થયો છે 6 ટેસ્ટમાં પરાજય થયો છે. અફઘાનિસ્તાને ટેસ્ટમાં સૌપ્રથમ ટેસ્ટ જીત આયર્લેન્ડ સામે મેળવી હતી. 15 માર્ચ 2019ના રોજ અફઘાનિસ્તાને 7 વિકેટ જીતી હતી. આ મેચ દહેરાદૂનમાં રમાઈ હતી. આ પછી અફઘાનિસ્તાન 2019માં ચટ્ટોગ્રામમાં બાંગ્લાદેશ સામે 224 રનથી જીત મેળવી હતી. ત્રીજી જીત તેણે ઝિમ્બાબ્વે સામે મેળવી હતી. 2021માં અબુધાબીમાં 6 વિકેટે જીત મેળવી હતી. અફઘાનિસ્તાનનો છેલ્લી 3 ટેસ્ટમાં સતત પરાજય થયો છે. 2023માં બાંગ્લાદેશે તેને 546 રનથી હરાવ્યું હતું. આ પછી 2024માં શ્રીલંકાએ 10 વિકેટે અને હવે આયર્લેન્ડે 6 વિકેટે હરાવ્યું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ