ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટ પછી સોશિયલ મીડિયામાં એ વાતની ચર્ચા થઇ રહી છે કે આઈપીએલ 2023 પછી ભારતીય ક્રિકેટ ટીમમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થઇ શકે છે. મુંબઈ ઇન્ડિયન્સનો પૂર્વ ફાસ્ટ બોલર અને હાલ લખનઉ સુપર જાયન્ટ્સનો ભાગ રહેલો મોહસિન ખાન અને મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નઇ સુપર કિંગ્સનો ફાસ્ટ બોલર મુકેશ ચૌધરી પણ રેસમાં સામેલ છે.
ઇરફાન પઠાણે પોતાના ટ્વિટમાં લખ્યું કે આઈપીએલ ખતમ થયા પછી ટીમ ઇન્ડિયામાં સામેલ થવા માટે એક ડાબોડી બોલર તૈયાર થશે. ઇરફાન પઠાણના આ ટ્વિટે અર્જુન, મોહસિન અને મુકેશની ટીમ ઇન્ડિયામાં પસંદ થવાની સંભાવનાઓ પણ ભાર આપ્યો છે.
અર્જુન તેંડુલકર, મોહસિન ખાન અને મુકેશ ચૌધરી ત્રણેય ડાબોડી ફાસ્ટ બોલર છે. ભારતીય ક્રિકેટ ટીમમાં ડાબોડી ફાસ્ટ બોલરની જરૂરત છે. હવે ત્રણેય ફાસ્ટ બોલરના પ્રોફાઇલ પર એક નજર કરીએ.
આ પણ વાંચો – આઈપીએલ 2023: દક્ષિણ આફ્રિકાના ખેલાડી શરૂઆતી 5 મેચમાં નહીં હોય ઉપલબ્ધ
અર્જુન તેંડુલકર
અર્જુન તેંડુલકરે 2021માં હરિયાણા સામે મુંબઈ તરફથી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. અર્જુન બોલને સ્વિંગ કરાવવા અને મહત્વપૂર્ણ ઝડપ આપવામાં સક્ષમ છે. અર્જુન બેટિંગ વડે રન બનાવવામાં પણ સક્ષમ છે. તેણે અત્યાર સુધી 7 ફર્સ્ટ ક્લાસ અને આટલી જ લિસ્ટ-એ ની મેચમાં અનુક્રમે 12 અને 8 વિકેટ ઝડપી છે. તે 9 ટી-20 મુકાબલામાં 12 વિકેટ ઝડપી ચુક્યો છે. અર્જુને ફર્સ્ટ ક્લાસ મુકાબલામાં 24.77ની એવરેજથી 233 રન બનાવ્યા છે. જેમાં એક સદી પણ સામેલ છે.
મુકેશ ચૌધરી
મુકેશ ચૌધરી વિજય હઝારે ટ્રોફી 2021-22માં મહારાષ્ટ્ર તરફથી સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર હતો. મુકેશ ચૌધરીને ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ-2022ની મેગા હરાજીમાં તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે અત્યાર સુધી 13 ફર્સ્ટ ક્લાસ અને 19 લિસ્ટ-એ ની મેચ રમી ચુક્યો છે. જેમાં 38 અને 25 વિકેટ ઝડપી છે. તે 27 ટી-20 મેચમાં 32 વિકેટ ઝડપી ચુક્યો છે.
મોહસિન ખાન
ઉત્તર પ્રદેશના સંભલમાં 15 જુલાઇ 1998ના રોજ જન્મેલા મોહસિન ખાનને મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ વખત 2018માં ખરીદ્યો હતો. પછી 2020ની હરાજીમાં પણ તેને બેઝ પ્રાઇઝ પર ખરીદ્યો હતો. હવે તે લખનઉ સુપર જાયન્ટ્સનો ભાગ છે. મોહસિન અત્યાર સુધી ફક્ત એક ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. જેમાં 2 વિકેટ ઝડપી છે. તે 17 લિસ્ટ-એ મેચ રમી ચુક્યો છે. જેમાં 26 વિકેટ ઝડપી છે. તેના નામે 35 ટી-20 મુકાબલામાં 47 વિકેટ છે.મોહસિન ખાન અને મુકેશ ચૌધરી બન્નેએ આઈપીએલ 2022માં પોતાના પ્રદર્શનથી ઘણા પ્રભાવિત કર્યા છે.