IPL 2024 : આઇપીએલ 2024 જેમ-જેમ આગળ વધી રહી છે તેમ તેમ ક્રિકેટનો રોમાંચ વધી રહ્યો છે. આ આઇપીએલમાં એકથી વધીને એક રોમાંચક મેચો જોવા મળી રહી છે, તેની સાથે સાથે બેટ્સમેન અને બોલર વચ્ચેની હરિફાઈ પણ ચરમસીમાએ છે. જોકે ઇમ્પેક્ટ પ્લેયર રુલને કારણે બોલરોની પિટાઇ આ લીગમાં ઘણી થઇ રહી છે, પરંતુ બેટ્સમેન જેટલા મોટા શોટ્સ ફટકારે છે તેટલું જ ચાહકોનું મનોરંજન થાય છે. આઇપીએલમાં ઘણા મોટા રેકોર્ડ બની રહ્યા છે અને જૂના રેકોર્ડ તૂટી રહ્યા છે. ત્યારે આ લીગના રોમાંચ દરમિયાન ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન કેન વિલિયમ્સને જણાવ્યું હતું કે કયો એવો બેટ્સમેન છે જે ટી-20 ક્રિકેટમાં 200 રનનો વ્યક્તિગત સ્કોર બનાવી શકે છે.
રોહિત શર્મા 200 રન બનાવી શકે છે – કેન વિલિયમ્સન
કેન વિલિયમ્સને જિયો સિનેમા પર વાત કરતા ભવિષ્યવાણી કરતા કહ્યું કે રોહિત શર્મા એક એવો બેટ્સમેન છે જે ટી20 ક્રિકેટમાં 200 રનના આંકડાને સ્પર્શી શકે છે. આઇપીએલ અને ટી-20 ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે નોંધાયેલો છે. ગેલે આ સિદ્ધિ આઇપીએલમાં જ મેળવી હતી. 2013માં પુણે વોરિયર્સ સામે 66 બોલમાં અણનમ 175 રનની ઇનિંગ્સ રમી હતી. કેન વિલિયમ્સને રોહિત વિશે કહ્યું હતું કે તેને ખબર છે કે 200 રનનો સ્કોર કેવી રીતે બનાવી શકાય. તેણે વનડે ક્રિકેટમાં ત્રણ વખત આવી સિદ્ધિ મેળવી છે.
આ પણ વાંચો – આઈપીએલમાં ચેન્નાઇ વિ. લખનઉ હેડ ટુ હેડ, બન્ને ટીમનું કેવું છે પ્રદર્શન
આઈપીએલ 2024માં રોહિત ફોર્મમાં છે
આઈપીએલ 2024ની વાત કરીએ તો મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધી દરેક મેચમાં સારા રન બનાવવામાં સફળ રહ્યા છે. તેણે આ સિઝનમાં આ લીગની બીજી સદી પણ ફટકારી હતી અને સીએસકે સામે અણનમ 105 રન બનાવ્યા હતા, જોકે આ મેચમાં તેની ટીમને હાર મળી હતી, પરંતુ રોહિત આ સિઝનમાં તેની પ્રથમ સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.
આ સિઝનમાં રોહિત શર્માએ 167ની સ્ટ્રાઇક રેટથી અત્યાર સુધી 261 રન બનાવ્યા છે અને દરેક વખતે પોતાની ટીમને ઝડપી શરૂઆત અપાવવામાં સફળ રહ્યો છે. આમ જોવા જઈએ તો રોહિત શર્મા હવે 37 વર્ષનો થઈ ગયો છે અને આવી સ્થિતિમાં તેની પાસે ટી-20માં વધુ સમય નથી, પરંતુ તેની પાસે જે પણ સમય છે તેમાં તે 200ના આંકડાને સ્પર્શી શકે છે.





