IPL 2024 Qualifier 1 KKR vs SRH : આઈપીએલ 2024 ક્વોલિફાયર 1 મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 21 મે ના રોજ સાંજે 7.30 કલાકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદ આ સિઝનમાં 14 મેચ રમ્યું છે. જેમાં 8 મેચમાં વિજય મેળવ્યો છે અને 5 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ હતી. બીજી તરફ કોલકાતા નાઇટ રાઇડર્સનો 14 મેચમાંથી 9 માં વિજય થયો છે અને 3 મેચમાં પરાજય થયો છે. બે મેચ રદ થઇ હતી. આઈપીએલમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો કોલકાતાનું પ્રભુત્વ જોવા મળે છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 26 મેચો રમાઇ છે. જેમાં 17 મેચમાં કોલકાતાનો વિજય થયો છે અને 9 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં કોલકાતાનો હાઈએસ્ટ સ્કોર 208 અને લોએસ્ટ સ્કોર 101 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 228 અને લોએસ્ટ સ્કોર 115 રન છે. 2024ની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં ટકરાયા ત્યારે કોલકાતાનો 4 રને રોમાંચક વિજય થયો હતો.
આ પણ વાંચો – આઈપીએલ 2024 પ્લે ઓફ ટીમ વચ્ચે હવે ખરાખરીનો જંગ, જાણો શિડ્યુઅલ
અમદાવાદમાં હૈદરાબાદ અને કોલકાતાનો રેકોર્ડ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો કોલકાતા નાઈટ રાઇડર્સ આ સ્ટેડિયમમાં 5 મેચ રમ્યું છે. જેમાં 2 મેચમાં વિજય થયો છે અને 3 મેચમાં પરાજય થયો છે. તેનો બેસ્ટ સ્કોર 207 છે અને લોએસ્ટ સ્કોર 134 રન છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદના રેકોર્ડની વાત કરવામાં આવે તો 3 મેચ રમ્યું છે. જેમાં હૈદરાબાદનો 1 મેચમાં વિજય થયો છે અને 2 મેચમાં પરાજય થયો છે. હાઇએસ્ટ સ્કોર 162 રન છે અને લોએસ્ટ સ્કોર 134 રન છે.