Michael Clarke slapped by girlfriend : ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન માઇકલ ક્લાર્ક પોતાના અંગત જીવનના કારણે ફરી ચર્ચામાં આવ્યો છે. માઇકલ ક્લાર્ક(Michael Clarke)પર તેની પ્રેમિકા જેડ યારબ્રોજે (Jade Yarbrough) દગો આપવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ક્લાર્કને તેની પ્રેમિકા થપ્પડો મારતી જોવા મળે છે. ઓસ્ટ્રેલિયન અખબાર ડેલી ટેલિગ્રાફે ક્લાર્ક અને જેડ યારબ્રોજની આ લડાઇને લઇને પોસ્ટ પણ કરી છે.
ક્લાર્ક પોતાના પર લાગેલા આરોપોથી ઇન્કાર કરતો જોવા મળે છે
વીડિયોમાં માઇકલ ક્લાર્ક શર્ટ વગર જોવા મળે છે. તેની પ્રેમિકા જોરથી ચિલ્લાઇ રહી છે અને થપ્પડ મારી રહી છે. વીડિયોમાં જોવા મળે છે કે માઇકલ ક્લાર્ક પોતાના પર લાગેલા આરોપોથી ઇન્કાર કરતો જોવા મળે છે. ક્લાર્ક કહે છે કે હું કસમ ખાઉં છું કે આ સાચું નથી. હું પોતાની પુત્રીની કસમ ખાઉં છું. રિપોર્ટ પ્રમાણે માઇકલ ક્લાર્ક પોતાની પ્રેમિકા યારબ્રોજ, પ્રેમિકાની બહેન જેસ્મીન અને તેના પતિ કાર્લ સ્ટેફનોવિક સાથે વેકેશન પર હતા. આ ચારેય પોતાના મિત્રો સાથે ડિનર પર હતા ત્યારે વિવાદ થયો હતો.યારબ્રોજની બહેન ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ટીવી હોસ્ટ છે.
ક્લાર્કનો વિવાદો સાથે છે જૂનો સંબંધ
વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયાના માઇકલ ક્લાર્કનું નામ સૌથી પહેલા મોડલ લારા બિંગલ સાથે જોડવામાં આવ્યું હતું. 2007માં બન્નેએ ડેટિંગ શરુ કરી હતી. 2010માં બિંગલની શોવરવાળી તસવીર સોશિયલ મીડિયામાં લીક થયા પછી ક્લાર્ક અને બિંગલ અલગ થઇ ગયા હતા. 2012માં ક્લાર્કે કાઇલી બોલ્ડી સાથે લગ્ન કર્યા હતા. કાઇલી અને ક્લાર્કને 2015માં એક સંતાન થયું હતું. જોકે 2020માં બન્ને અલગ થઇ ગયા હતા.આ પછી ક્લાર્કે ફેશન ડિઝાઇનર પિપ એડવર્ડ્સને ડેટ કરવાનું શરુ કર્યુ હતું. જોકે પછી પિપ સાથે પણ અલગ થઇ ગયો હતો.
આ પણ વાંચો – વિરાટ કોહલી વન ડે ક્રિકેટનો કિંગ, પરંતુ વર્ષ 2021 વિરાટ માટે વામન, આખા વરસમાં માત્ર 129 રન
પોલીસ કરી રહી છે મામલાની તપાસ
ફૂટેજ સામે આવ્યા પછી ક્વીન્સલેન્ડ પોલીસ આ ઘટના પર તપાસ કરી રહી છે. પોલીસે ગુરુવારે કહ્યું કે ક્વીન્સલેન્ડ પોલીસે એક 30 વર્ષીય મહિલા અને 41 વર્ષીય વ્યક્તિ વચ્ચે થયેલી ઘટનાની તપાસ કરી રહી છે. ક્લાર્ક 41 વર્ષનો છે અને તેની ગર્લફ્રેન્ડ જેડ યારબ્રોજ 30 વર્ષની છે.
માઇકલ ક્લાર્કની કારકિર્દી
માઇકલ ક્લાર્કની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાએ 2015માં વર્લ્ડ કપ જીત્યો હતો. ક્લાર્કને પોન્ટિંગના સ્થાને કેપ્ટન બનાવ્યો હતો. ક્લાર્કે 2015માં એશિઝની શ્રેણી જીત્યા પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ક્લાર્ક ઓસ્ટ્રેલિયા તરફથી 115 ટેસ્ટ, 245 વન-ડે ને 34 ટી-20 મેચ રમ્યો છે.