MS Dhoni Brother : પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભારતમાં ઘણો લોકપ્રિય છે. દરેક પ્રશંસકોને તેના જન્મથી લઈને સ્કૂલ અને ટીમ ઈન્ડિયાના ડેબ્યૂ સુધીની કહાની ખબર હોય છે. ધોની પર બનેલી બાયોપિક ફિલ્મમાં પણ ચાહકોને તેના જીવનના અનેક અલગ અલગ પાસા બતાવવામાં આવ્યા હતા. પરંતુ ધોનીના મોટા ભાઈની વાત બહુ ઓછા પ્રસંગોએ કરવામાં આવી છે. એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં ધોની ઘણા સમય પછી પોતાના મોટા ભાઇ સાથે જોવા મળી રહ્યો છે.
ધોનીથી 10 વર્ષ મોટો છે નરેન્દ્ર સિંહ
ધોનીના જીવન પર બનેલી બાયોપિકમાં માત્ર તેની બહેનનું જ પાત્ર બતાવવામાં આવ્યું હતું. ધોની અને તેના ભાઈની એક સાથેની કોઈ તસવીર ક્યારેય સોશિયલ મીડિયા પર જોવા મળી નથી. આ કારણથી બહુ ઓછા લોકો જાણે છે કે ધોનીનો એક મોટો ભાઈ પણ છે જેનું નામ નરેન્દ્ર સિંહ ધોની છે. નરેન્દ્ર સિંહ ધોની આ દિગ્ગજ ક્રિકેટરથી 10 વર્ષ મોટો છે. જ્યારે ધોનીની બાયોપિક સામે આવી તો ઘણા લોકોએ કહ્યું કે આ ફિલ્મમાં જાણીજોઈને નરેન્દ્ર સિંહને બતાવવામાં આવ્યા નથી. એમએસ ધોની અને નરેન્દ્રના સંબંધોમાં હંમેશા તણાવના સમાચાર આવ્યા છે.
આ પણ વાંચો – વન-ડે વર્લ્ડ કપ 2023નો કાર્યક્રમ લીક! જાણો ક્યારે રમાશે ભારતની મેચો
બંને ભાઈઓ પહેલી વાર સાથે દેખાયા
એવું લાગે છે કે હવે બંને વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે. ધોનીની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે પોતાના ભાઈ અને બાળપણના મિત્ર સાથે ફાર્મમાં જોવા મળી રહ્યો છે. ધોની એક જ જ કલરના પ્રિન્ટ શર્ટ અને પેન્ટમાં જોવા મળ્યો હતો. તેની બાજુમાં જ નરેન્દ્રસિંહ ધોની ઊભો છે. નરેન્દ્ર સિંહ ધોની સફેદ ટી-શર્ટ અને બ્લૂ ટ્રાઉઝરમાં એકદમ સિમ્પલ જોવા મળે છે.
પ્રશંસકોએ આપ્યા આવા રિએક્શન
પ્રશંસકોએ આ તસવીરો પર અલગ-અલગ રિએક્શન આપ્યા છે. કેટલાક બન્ને ભાઇઓને સાથે જોઇને ખુશ છે તો કેટલાકનું કહેવું છે કે ધોનીના ભાઇને ઓળખવો ઘણો મુશ્કેલ છે. કેટલાક યુઝર અંદાજો કરવા લાગ્યા કે કદાચ હવે બન્ને ભાઇ એક સાથે રહેવા લાગ્યા છે.





