IPL 2025 : પાકિસ્તાનમાં આતંકી સ્થળો પર ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ ધર્મશાળા એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. આ કારણે આઈપીએલ 2025માં ટીમોના ટ્રાવેલિંગ પ્રભાવિત થયા છે. 3 ટીમોના કાર્યક્રમ પર અસર પડી શકે છે. પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ગુરુવારે (8 મે) ધર્મશાળામાં મેચ યોજાવાની છે. આ પછી 11 મેના રોજ ત્યાં પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાવાની છે.
ધર્મશાળા પંજાબ કિંગ્સની ટીમનું બીજું હોમ ગ્રાઉન્ડ છે. પંજાબની ટીમને હજી સુધી કોઈ યાત્રા સંબંધિત સમસ્યા નથી કારણ કે શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ટીમ આ અઠવાડિયાના અંત સુધી ત્યાં રહેશે. દિલ્હી કેપિટલ્સે એ જોવું પડશે કે તેમના ખેલાડીઓ કેવી રીતે પાછા આવશે. જેણે રવિવારે (11 મે) દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે રમવાનું છે.
મુંબઈની ટીમનું ટ્રાવેલ શેડ્યૂલ પણ હજુ નક્કી નથી
મુંબઈની ટીમનું ટ્રાવેલ શેડ્યૂલ પણ હજુ નક્કી નથી. બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે અત્યારે બધું જ અનિશ્ચિત છે. ટીમો સાથે વાતચીત ચાલી રહી છે અને એરપોર્ટ બંધ છે ત્યારે ધર્મશાળાથી દિલ્હી પાછા કેવી રીતે આવવું તે અંગે પણ તેઓ વિચારણા કરી રહ્યા છે. દિલ્હી કેપિટલ્સ માટે એક વિકલ્પ બસ દ્વારા પરત ફરવાનો છે, પરંતુ માત્ર ટીમો જ નહીં પરંતુ બ્રોડકાસ્ટ ટીમ અને ઉપકરણો પણ છે.
આ પણ વાંચો – સીએસકેની ટીમમાં ગુજરાતી પ્લેયર ઉર્વિલ પટેલની એન્ટ્રી, ફટકારી ચુક્યો છે 28 બોલમાં સદી
18 એરપોર્ટ બંધ કરાયા
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં 9 સ્થળો પર મિસાઇલ હુમલા કર્યા હતા. ત્યારબાદ દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં ઓછામાં ઓછા 18 એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં શ્રીનગર, જેહ, જમ્મુ, અમૃતસર, પઠાણકોટ, ચંદીગઢ, જોધપુર, જેસલમેર, શિમલા, ધર્મશાળા અને જામનગરનો સમાવેશ થાય છે.





