Cricket News : 2023ના વન-ડે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન એન્જેલો મેથ્યૂસ ટાઈમ આઉટ થયો હતો. તેના ઠીક એક મહિના પછી બાંગ્લાદેશનો ક્રિકેટર મુશ્ફિકુર રહીમ ઓબ્સ્ટ્રેક્ટિંગ ધ બોલ આઉટ થયો હતો. તેણે હાથથી બોલને રોક્યો હતો જેના કારણે તેને આઉટ આપવામાં આવ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી થર્ડ ગ્રેડ ટુર્નામેન્ટ એસીટી પ્રીમિયર ક્રિકેટ દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. મિડલ સ્ટમ્પ ઉખડી ગયા બાદ એક બેટ્સમેનને નોટઆઉટ આપવામાં આવ્યો હતો, કારણ કે બેલ્સ સ્ટમ્પ પર જ રહ્યા હતા.
બેલ્સ ના પડતા મેદાન પરના અમ્પાયરોએ બેટ્સમેનને આઉટ આપ્યો ન હતો. આ ઘટનાએ ક્રિકેટના નિયમો પર નવી ચર્ચા ઉભી કરી છે. ગિન્નીર્દરા ક્રિકેટ ક્લબ અને વેસ્ટ ડિસ્ટ્રિક્ટ વચ્ચેની મેચ દરમિયાન આવું બન્યું હતું. ગિન્નીર્દરાના બોલર એન્ડી રેનોલ્ડ્સે હરીફ ટીમના ઓપનર બેટ્સમેન મેથ્યૂ બોસસ્ટોને ક્લિન બોલ્ડ કર્યો. આ પછી તે સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરી રહ્યો હતો. ત્યારે જ બધાને ખ્યાલ આવ્યો કે બેલ્સ પડ્યા નથી.
બેટ્સમેન પેવેલિયન પરત ફરી રહ્યો હતો
કેનબેરા ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે બેટ્સમેન આઉટ થયા બાદ પેવેલિયન તરફ જવા લાગ્યો હતો. પાછળથી તેને ખબર પડી કે બેલ્સ પડ્યા નથી. ત્યારબાદ તે પોતાની ક્રિઝ પર પરત ફર્યો હતો. અમ્પાયરો વચ્ચે થયેલી લાંબી વાતચીત બાદ બોસસ્ટોને નિયમ પ્રમાણે નોટઆઉટ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – ટીમ ઇન્ડિયા માટે સિદ્ધિઓથી ભરેલું વર્ષ, રચ્યો ઇતિહાસ, 5 વર્ષના દુષ્કાળનો અંત આણ્યો
નિયમ શું કહે છે?
મેરીલેબોન ક્રિકેટ ક્લબના જણાવ્યા અનુસાર સ્ટમ્પ પડેલું ત્યારે માનવામાં આવે છે જ્યારે તેના ઉપરથી ઓછામાં ઓછું એક બેલ્સ જમીન પર પડી જાય કે એક કરતા વધુ સ્ટમ્પ ઉખડી જાય છે. નિયમ 29.22માં આ બાબત સમજાવવામાં આવી છે.
આવું ક્યારેય જોયું નથી
વેસ્ટ ડિસ્ટ્રિક્ટના કેપ્ટન સેમ વાઈટમેને બાદમાં સ્વીકાર્યું હતુ કે ટીમ આ નિર્ણયથી ખુશ નથી. તેણે કહ્યું કે મેં આવું ક્યારેય જોયું નથી. કોઈએ આવું બનતું જોયું નહીં. એક સમયે અમે બધા વિકેટને લઇને ખુશ હતા. થોડા સમય પછી અમે તેને આઉટ કર્યો જેનાથી હું ખુશ થઈ ગયો હતો.





