Paris Olympics 2024, Manu Bhaker wins bronze in 10m air pistol: ભારતની સ્ટાર મહિલા શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કરતા ભારત માટે પ્રથમ મેડલ જીતવામાં સફળ રહી છે. 22 વર્ષીય મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવાની સાથે ઈતિહાસ રચી દીધો છે.
મનુ ભાકરનો ઓલિમ્પિકમાં આ પહેલો મેડલ છે. ગત ઓલિમ્પિક એટલે કે 2018માં ટોક્યોમાં રમાયેલી મેચમાં તેની પિસ્તોલ ખરાબ થઇ ગઇ હતી. તે કોઈ પણ ઈવેન્ટમાં ક્વોલિફાય પણ થઈ શકી ન હતી. મનુ ભાકર આ સાથે જ ઓલિમ્પિકમાં ભારત તરફથી શૂટિંગમાં મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા ખેલાડી બની હતી.
મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો
મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટની ફાઈનલમાં 221.7 પોઈન્ટ્સ મેળવ્યા હતા અને તે ત્રીજા ક્રમે રહી હતી. આ ઇવેન્ટમાં પ્રથમ સ્થાને દક્ષિણ કોરિયાની ઓહ યે જિન રહી હતી. જેણે 243.2 પોઇન્ટ મેળવ્યા હતા અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ એક ઓલિમ્પિક રેકોર્ડ પણ છે. જયારે દક્ષિણ કોરિયાની કિમ યેજી આ ઇવેન્ટમાં બીજા ક્રમે હતી જેણે 241.3 પોઇન્ટ મેળવ્યા હતા અને સિલ્વર મેડલ જીત્યો હતો.
મનુ ભાકર ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની
અગાઉ ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતને શૂટિંગમાં ચાર મેડલ મળ્યા હતા, પણ ચાર વખત પુરુષ શૂટરે આ સફળતા હાંસલ કરી હતી. ભારત માટે શૂટિંગમાં સૌપ્રથમ મેડલ 2004ના એથેન્સ ઓલિમ્પિકમાં રાજ્યવર્ધન સિંહ રાઠૌરે જીત્યો હતો અને તેણે મેન્સ ડબલ ટ્રેપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી 2008ના બેઇજિંગ ઓલિમ્પિકમાં અભિનવ બિન્દ્રાએ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
આ પણ વાંચો – પેરિસ ઓલિમ્પિક 2024ના બીજા દિવસની અપડેટ્સ અહીં વાંચો
ભારતને 2012ના લંડન ઓલિમ્પિકમાં શૂટિંગમાં ત્રીજો મેડલ મળ્યો હતો અને આ વખતે ગગન નારંગે 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી વિજય કુમારે લંડન ઓલિમ્પિક 2012માં 25 મીટર રેપિડ ફાયર એર પિસ્તોલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
હવે મનુ ભાકરે કમાલ દેખાડી હતી અને તે ભારત તરફથી ઓલિમ્પિકમાં મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય મહિલા શૂટર બની હતી.
આંખમાં ઈજા થયા બાદ બોક્સિંગ છોડીને શૂટિંગ શરૂ કર્યું હતું
હરિયાણાના ઝજ્જરમાં જન્મેલી મનુ ભાકરે સ્કૂલના દિવસોમાં ટેનિસ, સ્કેટિંગ અને બોક્સિંગમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તેણે રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતનારી ‘થાન ટા’ નામની માર્શલ આર્ટમાં પણ ભાગ લીધો હતો. બોક્સિંગ દરમિયાન મનુ ભાકરને આંખમાં ઈજા થઈ હતી, જે પછી તેની બોક્સિંગની સફર પુરી થઈ હતી. પરંતુ મનુને સ્પોર્ટ્સ પ્રત્યે એક અલગ જ લગાવ હતો, જેના કારણે તે એક શૂટર બનવામાં સફળ રહી.
14 વર્ષની ઉંમરે મનુએ શૂટિંગમાં કરિયર બનાવવાનો નિર્ણય કર્યો હતો, તે સમયે રિયો ઓલિમ્પિક 2016 હાલમાં જ ખતમ થયો હતો. એક અઠવાડિયાની અંદર તેણે પિતાને શૂટિંગ પિસ્તોલ લાવવા કહ્યું હતું. તેનો હંમેશા સાથ આપનાર તેના પિતા રામ કિશન ભાકરે તેમને બંદૂક ખરીદીની આપી હતી. આ એક નિર્ણયે મનુ ભાકરને ઓલિમ્પિકમાં મેડલ વિજેતા બનાવી છે.
જીત્યા પછી મનુ ભાકરે કહ્યું – હું માત્ર મારા કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી
ભારત માટે બ્રોન્ઝ જીત્યા બાદ મનુ ભાકરે કહ્યું કે મેં ‘ગીતા’ વાંચી છે અને જેમ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો, કર્મના પરિણામ પર નહીં. અને હું માત્ર મારા કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી, પરિણામ પર નહીં, છેલ્લી ક્ષણોમાં મેં તે જ કર્યું. તેણે કહ્યું કે આ મેડલ માત્ર મારો જ નથી પરંતુ સમગ્ર દેશનો છે. મનુની જીત બાદ તેની દાદીએ કહ્યું કે તેણે દેશનું નામ રોશન કર્યું છે અને જ્યારે તે ભારત પાછી આવશે ત્યારે હું તેના માટે ખાસ ભોજન બનાવીશ.





