paris olympics 2024 : 26 જુલાઈથી પેરિસ ઓલિમ્પિકનો પ્રારંભ થવાનો છે. ગેમ્સના સૌથી મોટા સ્ટેજ પર 206 દેશોના એથ્લીટ્સ મેડલ માટે એડી ચોટીનું જોર લગાવશે. 113 ખેલાડીઓની ભારતીય ટુકડી પેરિસ પહોંચી છે. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો ઈતિહાસ 124 વર્ષ જૂનો છે. તેણે આ ગેમ્સમાં 27 વખત ભાગ લીધો છે. ભારતે આ રમતોમાં સૌ પ્રથમ વખત 1900માં ભાગ લીધો હતો. તે વર્ષે પણ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન પેરિસમાં કરવામાં આવ્યું હતું. 124 વર્ષમાં ભારતે આ રમતોમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.
ભારતે 1900માં પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો
ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત 1896માં થઇ હતી પરંતુ ભારતે પ્રથમ વખત 1900માં ઓલિમ્પિક રમતોમાં ભાગ લીધો હતો. 1900માં માત્ર એક જ ખેલાડીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેનું નામ નોર્મન પ્રિટકાર્ડ હતું. તેમણે દેશ માટે બે મેડલ જીત્યા છે. પ્રિટકાર્ડે 200 મીટર અને 200 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ મેડલ્સને ઓલિમ્પિક એસોસિએશન અનુસાર ભારતના ખાતામાં ગણતરી કરવામાં આવે છે, જ્યારે વર્લ્ડ એથ્લેટિક્સ અનુસાર આ મેડલ્સ બ્રિટનના ખાતામાં છે.
આ પણ વાંચો – ઓલિમ્પિક્સમાં ભારતના પ્રથમ મેડલથી લઇને પ્રથમ મહિલા એથ્લીટ સુધી, જાણો 124 વર્ષના ઇતિહાસની ખાસ ક્ષણો
ભારતે હોકીમાં સૌથી વધુ મેડલ જીત્યા
હોકીમાં ભારતને સૌથી વધુ મેડલ મળ્યા છે. આ રમતમાં ભારતે 12 મેડલ જીત્યા છે. આ 12 મેડલ્સમાં 8 ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સામેલ છે. હોકીમાં ભારતને સૌપ્રથમ મેડલ 1928ના ઓલિમ્પિકમાં મળ્યો હતો, જ્યાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી 41 વર્ષના દુષ્કાળ બાદ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
| રમત | ગોલ્ડ | સિલ્વર | બ્રોન્ઝ | કુલ |
| હોકી | 8 | 1 | 3 | 12 |
| રેસલિંગ | – | 2 | 5 | 7 |
| શૂટિંગ | 1 | 2 | 1 | 4 |
| એથ્લેટિક્સ | 1 | 2 | – | 3 |
| બોક્સિંગ | – | – | 3 | 3 |
| વેટલિફ્ટિંગ | – | 1 | 1 | 2 |
| ટેનિસ | – | – | 1 | 1 |
ભારતે ઓલિમ્પિકમાં જીત્યા 35 મેડલ
ભારતે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં 10 ગોલ્ડ, 9 સિલ્વર અને 16 બ્રોન્ઝ સહિત કુલ 35 મેડલ્સ જીત્યા છે. આ 35 મેડલ્સ અલગ અલગ 8 રમતોમાં જીત્યા હતા. ભારતે હોકીમાં 12, શૂટિંગમાં ચાર, એથ્લેટિક્સમાં ત્રણ, રેસલિંગમાં સાત, બેડમિન્ટનમાં ત્રણ, વેઈટલિફ્ટિંગમાં બે, બોક્સિંગમાં ત્રણ અને ટેનિસમાં એક મેડલ જીત્યા છે.
| રમત | નામ | મેડલ |
| એથ્લેટિક્સ (જ્વેલિન થ્રો) | નીરજ ચોપડા | ગોલ્ડ |
| રેસલિંગ | રવિ દહિયા, બજરંગ પૂનિયા | સિલ્વર, બ્રોન્ઝ |
| બોક્સિંગ | લવલિના બોરગોહેન | બ્રોન્ઝ |
| વેટલિફ્ટિંગ | મીરાબાઇ ચાનુ | સિલ્વર |
| બેડમિન્ટન | પીવી સિંધુ | બ્રોન્ઝ |
| હોકી | મેન્સ ટીમ | બ્રોન્ઝ |
ટોક્યો ઓલિમ્પિક્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન
2020ના ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ટોક્યોમાં ભારતે સાત મેડલ જીત્યા હતા. ભારતે એથ્લેટિક્સમાં એક, વેઈટલિફ્ટિંગમાં એક, હોકીમાં એક, બોક્સિંગમાં એક, બેડમિન્ટનમાં એક અને રેસલિંગમાં બે મેડલ જીત્યા હતા.





