Paris Olympics 2024, પેરિસ ઓલિમ્પિક પીવી સિંધુ : 1 ઓગસ્ટ, 2021 ના રોજ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની હી બિંગ જિયાઓને હરાવી હતી. ત્રણ વર્ષ બાદ 1 ઓગસ્ટના રોજ પેરિસ ઓલિમ્પિકમાં બંને ફરી સામસામે આવ્યા હતા. આ વખતે ચીનના ખેલાડીઓનો વિજય થયો હતો અને તેમણે સિંધુને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર કરી દીધી હતી.
સિંધુએ અણનમ રહીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો
પીવી સિંધુ પેરિસ ઓલિમ્પિકમાં ગ્રુપ રાઉન્ડની ત્રણેય મેચ જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. બિંગ પણ અણનમ રહી અને સિંધુનો સામનો કરવા આવી. પ્રથમ ગેમમાં બંને વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી.
જો કે, પીવી સિંધુ બીજી ગેમમાં પાછળ પડી ગઈ અને મેચ 19-21,14-21થી હારી ગઈ. માત્ર 56 મિનિટમાં પીવી સિંધુની ત્રણ વર્ષની મહેનત વ્યર્થ ગઈ.
સિંધુ પાસે હેટ્રિક ફટકારવાની તક હતી
પીવી સિંધુ ભારત માટે ઓલિમ્પિક મેડલની પ્રબળ દાવેદાર હતી. તેણે 2016માં રિયોમાં સિલ્વર મેડલ અને 2021માં ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પીવી સિંધુ પાસે મેડલની હેટ્રિક મેળવવાની તક હતી પરંતુ આ ખેલાડીએ તક ગુમાવી દીધી.
આ પણ વાંચોઃ- પેરિસ ઓલિમ્પિક્સ 2024 : સ્પપ્નિલ કુસાલેને બ્રોન્ઝ મેડલ, શૂટિંગમાં ભારતે રચ્યો ઇતિહાસ, પેરિસમાં મળ્યો ત્રીજો મેડલ
તે ઓલિમ્પિકમાં ત્રણ મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની શકી હોત. હાલમાં પીવી સિંધુ સિવાય રેસલર સુશીલ કુમાર અને શૂટર મનુ ભાકર બે મેડલ સાથે ક્લબમાં સામેલ છે.
આ પહેલીવાર હશે જ્યારે સિંધુ ઓલિમ્પિકમાંથી ખાલી હાથે પરત ફરશે. આ ઉપરાંત આ પ્રથમ વખત છે જ્યારે સિંધુ વિશ્વ ચેમ્પિયનશિપ અથવા ઓલિમ્પિકમાં ચીનની પ્રતિસ્પર્ધી સામે હારી છે.





