Paris Olympics 2024 : ભારતીય ખેલાડીઓની મોટી ટુકડી પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા પહોંચી છે. પેરિસમાં 100થી વધુ ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ખેલાડીઓમાં કેટલાક નામ એવા પણ છે જેમનું ઓલિમ્પિક ડેબ્યૂ થવા જઇ રહ્યું છે. આમાંથી કેટલાક એવા પણ છે જે ભલે પહેલીવાર ઓલિમ્પિક રમતોમાં ભાગ લઈ રહ્યા હોય, પરંતુ તેમની સફળતા તેમને મેડલના દાવેદાર બનાવે છે. આ ખેલાડીઓના પર્ફોમન્સને કારણે તેઓ પેરિસમાં શ્રેષ્ઠ દેખાવ કરશે તેમ મનાય છે.
નિખત ઝરીન
ભારતીય બોક્સર નિખત ઝરીન ભલે પહેલીવાર ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહી હોય, પરંતુ તે દેશ માટે મેડલ જીતવાની સૌથી મોટી દાવેદારોમાંથી એક છે. નિખત બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે. આ સાથે જ તેણે ગત વર્ષે યોજાયેલી એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે.
અંતિમ પંઘાલ
યુવા કુસ્તીબાજ અંતિમ પંઘાલ માટે આ સૌપ્રથમ ઓલિમ્પિક છે. તે અંડર-23 વર્લ્ડ ચેમ્પિયન છે અને તેણે ગત વર્ષે સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે એશિયન ગેમ્સમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે એ કેટેગરીમાં ભાગ લેવા જઈ રહી છે જેમાં વિનેશ ફોગાટ ભાગ લેતી હતી. જોકે આ વખતે અંતિમ આ કેટેગરીમાં ઉતરશે. પ્રથમ ઓલિમ્પિકમાં જ દેશ તેની પાસેથી મેડલની આશા રાખશે.
આ પણ વાંચો – ઓલિમ્પિક્સમાં ભારતના 124 વર્ષના ઇતિહાસની ખાસ ક્ષણો
સિફ્ત કૌર સામરા
ભારતીય શૂટર સિફ્ત કૌર સામરા છેલ્લા બે વર્ષથી શૂટિંગમાં દેશ માટે મેડલ્સ જીતતી રહી છે, જોકે આ તેનો પહેલો ઓલિમ્પિક છે. સિફ્તે ગત વર્ષે થ્રી પોઝિશન રાઈફલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ગત વર્ષે યોજાયેલી એશિયન ગેમ્સમાં તેણે ટીમ ઈવેન્ટમાં સિલ્વર અને વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિફ્તને પેરિસ ઓલિમ્પિકમાં મેડલ મળવાની આશા છે.
કિશોર જેના
ગત વર્ષે એશિયન ગેમ્સમાં પ્રશંસકોને જેવલિન થ્રો ઈવેન્ટમાં પોડિયમ પર બે ભારતીયો જોવા મળ્યા હતા. પેરિસ ઓલિમ્પિક્સમાં નીરજ ચોપરા ઉપરાંત દેશને કિશોર જેના પાસેથી પણ ઓલિમ્પિક મેડલની આશા છે. જેનાએ એશિયન ગેમ્સમાં 87.54 મીટરનો થ્રો કર્યો હતો, જે તેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જેના આ સિઝનમાં પણ 80 મીટરનું માર્ક પાર કરી ચુક્યો છે. આ તેનો પ્રથમ ઓલિમ્પિક છે.





