Paris Olympics 2024 Updates India Day 15, પેરિસ ઓલિમ્પિક 2024 અપડેટ્સ : પેરિસ ઓલિમ્પિક 2024માં વિનેશ ફોગાટ કેસની સુનાવણી 9 ઓગસ્ટ (શુક્રવાર)ના રોજ પૂર્ણ થઈ હતી. હવે આખો દેશ આ અંગેના નિર્ણયની રાહ જોઈ રહ્યો છે. આ કેસનો નિર્ણય અગાઉ 10 ઓગસ્ટે આવવાની અપેક્ષા હતી, પરંતુ હવે નિર્ણયની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. હવે વિનેશને સિલ્વર મળશે કે નહીં, આ અંગેનો નિર્ણય 11 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર 9.30 વાગ્યે લેવામાં આવશે.
રેસલર રીતિકા હુડ્ડાનો ક્વાર્ટર ફાઇનલમાં પરાજય
પેરિસ ઓલિમ્પિક્સ 2024માં શનિવારે 10 ઓગસ્ટે ઓલિમ્પિક ગેમ્સનો 15મો દિવસ છે. ભારતની 21 વર્ષીય રેસલર રીતિકા હુડ્ડા સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી શકી ન હતી. તેનો ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની નંબર વન કઝાકિસ્તાનની અપેરી કેજી સામે પરાજય થયો હતો. આ પહેલા રીતિકા હુડ્ડાએ 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની પ્રી ક્વાર્ટર ફાઈનલ મેચમાં હંગેરીની રેસલર બર્નાડેટને 12-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં 6 મેડલ જીત્યા
ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં અત્યાર સુધીમાં 6 મેડલ જીત્યા છે, જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝનો સમાવેશ થાય છે. સૌથી પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. બીજો મેડલ પણ મનુ ભાકરે જીત્યો હતો. મિક્સ ટીમ ઈવેન્ટમાં જીત મેળવી હતી. તેની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો. સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ અને નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી રેસલિંગમાં અમન સેહરાવતને બ્રોન્ઝ મળ્યો હતો.
ગોલ્ફમાં ભારતની મેડલની આશાને પણ આંચકો લાગ્યો હતો. મહિલા વ્યક્તિગત રાઉન્ડના ત્રીજા દિવસે અદિતિ અશોક અને દીક્ષા ડાગર પણ મેડલથી દૂર રહ્યા હતા.