Who is Sarabjot Singh : મંગળવાર પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024માં ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. જ્યારે શૂટિંગમાં ભારતની મનુ ભાકર અને સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય જોડીએ આ મેચ 16-20થી જીતીને ભારતને બીજો બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે.
સરબજોત સિંહે દક્ષિણ કોરિયામાં યોજાયેલી 15મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. 2023માં ભોપાલમાં યોજાયેલા આઇએસએસએફ વર્લ્ડ કપમાં 22 વર્ષીય સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
કોણ છે સરબજોત સિંહ?
સરબજોત સિંહ પંજાબના અંબાલાના એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તેના પિતા જિતેન્દ્ર ખેડૂત છે જ્યારે તેની માતા હરદીપ કૌર ગૃહિણી છે. તેનો એક નાનો ભાઈ પણ છે. રમતમાં શાનદાર પ્રદર્શન અને મોટી સિદ્ધિઓ છતાં સરબજોત સિંહ ઘણો સૌમ્ય છે. પોતોના આત્મવિશ્વાસના કારણે તે આજે મનુ ભાકર સાથે ઓલિમ્પિક પોડિયમ પર પોતાની જગ્યા બનાવી શક્યો છે.
આ પણ વાંચો – ઓલિમ્પિયનની ડાયેટ કેવી હોય છે? ખેલાડીઓની જેમ ફિટનેસ મેળવવા માટે ફોલો કરો ડાયેટના આ નિયમો
2016માં તે 13 વર્ષની ઉંમરે અંબાલાની એઆર એકેડમી ઓફ શૂટિંગ સ્પોર્ટ્સમાં જોડાયો હતો. 2019માં સરબજોતે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને સ્પોર્ટસ કરિયરની શરુઆત કરી હતી. આ પછી તેણે 2022માં ચીનના હુઆંગઝોઉમાં રમાયેલી એશિયન ગેમ્સમાં ટીમ ગોલ્ડ અને 2023ની એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
એચટીને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે સ્પીડનો શોખ છે. મને નાનપણથી જ રેસિંગ અને કારમાં રસ છે. શૂટિંગનો નંબર પછી આવે છે. સરબજોતને ગેમિંગનો પણ શોખ છે.
ઓલિમ્પિકની લાઈવ અપડેટ્સ જોવા માટે અહીં ક્લિક કરો
સરબજોત સિંહ મેડલ જીતનાર છઠ્ઠો ભારતીય શૂટર
સરબજોત સિંહ હવે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતનો છઠ્ઠો શૂટર બની ગયો છે. તેની જોડીદાર મનુ ભાકર અગાઉ ઓલિમ્પિક મેડલ જીતનારી પાંચમી ભારતીય શૂટર બની હતી. મનુ ભાકર માટે આ ઓલિમ્પિક શાનદાર રહ્યું છે. થોડા દિવસો પહેલા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.





