Indian Womens Cricket Team : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિશ્વવિજેતા દીકરીઓએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તમામ ખેલાડીઓએ પીએમને નમો જર્સી સોંપી હતી. પીએમ મોદીએ તમામ ખેલાડીઓ સાથે અલગ-અલગ વાતચીત પણ કરી હતી. પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ દીપ્તિ શર્માએ કહ્યું કે પીએમના શીખ આજે પણ તેમને શક્તિ આપે છે. પીએમ મોદીએ દીપ્તિને તેના હાથ પરના ટેટૂનું રહસ્ય પણ પૂછ્યું હતું. જ્યારે હરલીન દેઓલે વડા પ્રધાનને તેમના ચહેરાની ચમકનું રહસ્ય પૂછ્યું હતું. આ પછી ત્યાં હાજર બધા હસવા લાગ્યા હતા.
દીપ્તિ શર્માના ટેટૂનું સિક્રેટ?
પીએમ મોદીએ દીપ્તિ શર્માને પૂછ્યું કે હનુમાનજીના ટેટૂ તમે રાખો છો તેનાથી કોઈ ફાયદો છે? આ સવાલનો જવાબ આપતાં દીપ્તિએ કહ્યું હતું કે મને મારા કરતાં પણ તેમના પર વધુ વિશ્વાસ છે. મને લાગે છે કે જ્યારે કોઈ તબક્કે મુશ્કેલીઓ ઊભી થાય છે, ત્યારે તે મને તેમાંથી બહાર કાઢે છે. આ પર પીએમ મોદી એમ પણ કહે છે કે તમે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ જય શ્રી રામ લખો છો, જીવનમાં શ્રદ્ધા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પછી પીએમ દીપ્તિને પૂછે છે કે મેદાન પર તમારી દાદાગીરી ચાલે છે? આનો જવાબ આપતા પહેલા તમામ ખેલાડીઓ અને ખુદ પીએમ પણ હસતા જોવા મળે છે. ત્યારે દીપ્તિ કહે છે, ‘જી, એવું નથી, બસ એક વાત ચોક્કસ છે કે મારા થ્રો પર અવશ્ય ડરનું વાતાવરણ છે. આ માટે મારી સાથી ખેલાડી પણ કહે છે થોડો આરામથી.
હરલીન દેઓલે સ્કિન કેર રૂટિન વિશે પૂછ્યું?
આ દરમિયાન હરલીન દેઓલે પીએમ મોદીને એક સવાલ પૂછ્યો હતો જેના પર ત્યાં હાજર બધા જોરથી હસી પડ્યા હતા. હરલીને પીએમને પૂછ્યું કે મારે તમારી સ્કિન કેર રૂટિન જાણવી છે. તમારો ચહેરો આટલો બધો ગ્લો કેવી રીતે છે? તેના પર પીએમ મોદીએ હસતા હસતા વિચારમાં પડી ગયા અને કહ્યું કે મેં હજી સુધી આ વિષય પર વિશેષ ધ્યાન આપ્યું નથી. આ પછી સ્નેહ રાણા કહે છે કે આ કરોડો દેશવાસીઓનો પ્રેમ છે.
આ પણ વાંચો – ભારતીય મહિલા વર્લ્ડ ચેમ્પિયન ટીમે પીએમ મોદી સાથે મુલાકાત કરી, ‘NAMO’ જર્સી આપી
તેના પર પીએમ કહે છે કે તે તો છે જ અને તેમાં સૌથી મોટી તાકાત હોય છે. દેશવાસીઓનો પ્રેમ અને વિશ્વાસ તો છે જ. નહીંતર આટલા વર્ષો સુધી રાજકારણમાં સરકારમાં રહેવું સરળ નથી. આ સવાલ બાદ ટીમના કોચ અમોલ મજુમદાર પણ કહે છે સર, તમે જોયું કે કેવા-કેવા આવે છે. હું બે વર્ષથી તેમનો હેડ કોચ છું, મારા વાળ સફેદ થઈ ગયા છે.





