pm narendra modi meets womens world cup winning indian cricket team : ICC મહિલા વન ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવાર ભારતીય ટીમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ટીમ મુલાકાત માટે નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી નિવાસસ્થાને પહોંચી હતી. જ્યાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. રવિવારે ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત મહિલા વર્લ્ડ કપ જીત્યો હતો.
પીએમ મોદીને ‘નમો’ જર્સી આપી
આ દરમિયાન ભારતીય ટીમે પીએમ મોદી સાથે ટ્રોફી શેર કરી હતી. તમામ ખેલાડીઓએ સાથે મળીને પીએમ મોદીને ‘નમો’ નામની જર્સી પણ સોંપી હતી. આ પ્રસંગે ટીમના કોચ અમોલ મજુમદાર પણ હાજર રહ્યા હતા. ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે આ પ્રસંગે કહ્યું કે તેણે 2017 માં પણ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી, પરંતુ તે વખતે ટીમ ટ્રોફી વગર આવી હતી. હસતાં હસતાં તેણે કહ્યું કે હવે અમે ટ્રોફી સાથે આવ્યા છીએ, અને અમને આશા છે કે આગળ પણ વારંવાર આવા પ્રસંગોએ પીએમ સાથે મુલાકાત થતી રહે.
વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ કહ્યું કે પ્રધાનમંત્રી હંમેશા ટીમને પ્રેરણા આપે છે અને તેમની ઉર્જા દરેક ખેલાડીને નવી દિશા મળે છે. તેણે એમ પણ કહ્યું કે આજે દેશની છોકરીઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે અને પ્રધાનમંત્રીના પ્રોત્સાહને તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
બીસીસીઆઈના અધ્યક્ષ મિથુન મનહાસ પણ હાજર રહ્યા
ભારતીય મહિલા ટીમ બુધવારે દિલ્હી પહોંચી હતી, જ્યારે સાંજે લગભગ 4.5 વાગ્યે ટીમ તાજ હોટલથી પીએમ મોદીના સત્તાવાર નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ માટે રવાના થઈ હતી. ટીમની સાથે બીસીસીઆઈના અધ્યક્ષ મિથુન મનહાસ પણ હાજર રહ્યા હતા.
પ્રતિકા રાવલ વ્હીલચેરમાં આવી
ટીમ ઈન્ડિયાની સ્ટાર ઓપનર પ્રતિકા રાવલ પણ વ્હીલચેર પર પીએમ મોદીને મળવા પહોંચી હતી. સેમિ ફાઈનલ મેચ અગાઉ પ્રતિકાને ઈજા થઈ હતી, જેના કારણે તેને વર્લ્ડ કપમાંથી બહાર રહેવું પડયું હતું. આ પહેલા તેણે આ ટૂર્નામેન્ટમાં સદી સહિત ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી. ફાઈનલ મેચ બાદ પણ તે વ્હીલચેરમાં ટીમ સાથે ઉજવણી કરતી જોવા મળી હતી. તેના સ્થાને શેફાલી વર્મા ટીમમાં જોડાઈ હતી અને ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ પણ બની હતી.
વિજય પછી પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા
મહિલા ટીમની ઐતિહાસિક જીત પછી પીએમ મોદીએ પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કર્યું હતું કે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી. ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ કૌશલ્ય, આત્મવિશ્વાસ અને ટીમવર્કનું બતાવ્યું હતું. આ ઐતિહાસિક જીત ભવિષ્યના ચેમ્પિયનોને રમતમાં જોડાવા અને દેશને ગૌરવ અપાવવા માટે પ્રેરણા આપશે. ટીમ ઈન્ડિયાને ખૂબ ખૂબ અભિનંદન.
ભારતીય મહિલા ટીમ મંગળવારે નવી દિલ્હી પહોંચી હતી. જ્યાં ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ ચેમ્પિયન ટીમનું ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યું હતું.





