IPL 2025 ઓક્શનમાં ન વેચાયા બાદ પૃથ્વી શોએ મૌન તોડ્યું છે. ભારતીય યુવા ક્રિકેટર પૃથ્વી શૉ હાલમાં તેની કરિયરના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. IPL 2025 માટે યોજાયેલી હરાજીમાં કોઈ આઈપીએલ ફ્રેન્ચાઈઝીએ શૉ માટે બોલી લગાવી નથી. એક સમય હતો જ્યારે પૃથ્વી શૉને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય કહેવામાં આવતું હતું. પરંતુ સમય જતાં પૃથ્વીનું પ્રદર્શન ખરાબ થઇ રહ્યું છે અને તે ઘણા બિનજરૂરી કારણોસર લાઈમલાઈટમાં રહ્યો. પૃથ્વી શૉ પોતાના વધેલા વજનના કારણે ઘણી વખત ટ્રોલના નિશાના પર રહ્યો છે. સતત ટ્રોલ થઈ રહેલા શૉએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.
પૃથ્વી શોનું દર્દ છલકાયું, એક દિવસ પણ ન જીવું…
પૃથ્વી શૉનો તેના 25માં જન્મદિવસની પાર્ટીમાં ડાન્સ કરતો એક વીડિયો વાયરલ થયો હતો. આ માટે તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો, તેના વિશે વાત કરતા પૃથ્વીએ કહ્યું, તાજેતરમાં મારો જન્મદિવસ હતો. હું મારા પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરી રહ્યો હતો, પરંતુ મને ટ્રોલ કરવામાં આવ્યો કારણ કે પૃથ્વી શૉ પ્રેક્ટિસ નહીં પરંતુ પાર્ટી કરી રહ્યો હતો. જ્યારે મેં આ બધું સાંભળ્યું, ત્યારે મને લાગ્યું કે, હું આખું વર્ષ મેચ માટે તાલીમ લઉ છું. શું હું મારી ખુશી માટે વર્ષનો એક દિવસ પણ જીવી ન શકું?
ટ્રોલ થતાં પૃથ્વી શોએ કહ્યું- મીમ્સ જોઇને દુ:ખ થાય છે
પૃથ્વી શૉનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફોકસ્ડ ઈન્ડિયન નામની યુટ્યુબ ચેનલ દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં બોલતા પૃથ્વી શૉએ જણાવ્યું છે કે તે કેવી રીતે ટ્રોલ્સનો સામનો કરે છે. પૃથ્વીએ કહ્યું, “જો કોઈ મને અનુસરતું નથી, તો તે મને કેવી રીતે ટ્રોલ કરી શકે? તેનો અર્થ એ કે તે મારી ઉપર નજર રાખે છે. કેટલીકવાર મીમ્સ જોઈને દુઃખ થાય છે.
આ પણ વાંચો – ટીમ ગુજરાત ટાઇટન્સ પણ ટીમમાં ગુજરાતી ખેલાડી એકેય નહીં
પૃથ્વી શો એક સમયે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય કહેવાતો
- પૃથ્વી શૉ ની ગણના એક સમયે ભારતના સૌથી દમદાર બેટ્સમેનોમાં થતી હતી
- પૃથ્વી શૉએ પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી અને સચિન તેંડુલકર પછી ટેસ્ટ સદી ફટકારનાર બીજા સૌથી યુવા ભારતીય બન્યા.
- IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા શોએ એક ઓવરમાં 6 ચોગ્ગા પણ ફટકાર્યા છે.
- પૃથ્વી શોએ ભારતીય અંડર-19 ટીમનું નેતૃત્વ પણ કર્યું છે.
- તેના નેતૃત્વમાં ભારતીય અંડર-19 ટીમે 2018માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.
પૃથ્વી શૉ હાલમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. ખરાબ પ્રદર્શન અને ફિટનેસને લઇને તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયો પર ટિપ્પણી કરતા એક વ્યક્તિએ કહ્યું, તમારે તમારી બેટિંગ અને ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ, તમે કોઈના બેકઅપ પ્લેયર નથી. શુભમન જેવા તમારી ઉંમરના ખેલાડીઓ ગુજરાતની કેપ્ટનશિપ કરી રહ્યા છે અને અભિષેક SRHનો મુખ્ય બેટ્સમેન છે. પહેલા આ બધા તમારી નીચે રમી ચૂક્યો છે. આશા છે કે તમે હવે સત્ય જાણો છો.