Rahul Dravid India Head Coach : રાહુલ દ્રવિડની આગેવાની હેઠળના ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફને એક્સટેન્શન મળી ગયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) બુધવારે 29 નવેમ્બર 2023 ના રોજ આ માહિતી આપી હતી. આ જાહેરાતનો અર્થ એ છે કે રાહુલ દ્રવિડ મુખ્ય કોચ, વિક્રમ રાઠોડ બેટિંગ કોચ, પારસ મ્હાબ્રે બોલિંગ કોચ અને ટી દિલીપ ફિલ્ડિંગ કોચ તરીકે યથાવત્ રહેશે. દ્રવિડ અને ટીમના સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ સમાપ્ત થઈ ગયો હતો.
BCCIએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા આ જાહેરાત કરી છે. ટીમ ત્યાં T20, ODI અને ટેસ્ટ શ્રેણી રમવાની છે. VVS લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 શ્રેણીમાં કોચની ભૂમિકા નિભાવી રહ્યા છે. એવું માનવામાં આવતું હતું કે જો દ્રવિડને એક્સટેન્શન નહીં મળે તો લક્ષ્મણ ટીમના કોચ બની શકે છે. દ્રવિડને નવેમ્બર 2021માં 2 વર્ષ માટે ટીમ ઈન્ડિયાના કોચ બનાવવામાં આવ્યા હતા.
કોચ તરીકે રાહુલ દ્રવિડનો પ્રથમ કાર્યકાળ
રવિ શાસ્ત્રીના સ્થાને રાહુલ દ્રવિડે મુખ્ય કોચ બનાવ્યા હતા. તેમના પહેલા કાર્યકાળમાં ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપ 2023ની સેમિ ફાઈનલમાં હારી ગઈ હતી. આ પછી ટીમ 2024માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઇ હતી. ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ટીમે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સતત 10 મેચ જીતી હતી.
આ પણ વાંચો – રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત આ 8 ખેલાડીઓ આગામી વર્લ્ડ કપમાં નહીં જોવા મળે! બધા 40 વર્ષની આસપાસ હશે
રોહિત શર્મા અને અજીત અગરકર ઇચ્છતા હતા કે દ્રવિડ કોચ બને
આ પહેલા ધ ઈન્ડિયન એક્સપ્રેસે માહિતી આપી હતી કે આશિષ નેહરાને T-20માં કોચ પદની ઓફર કરવામાં આવી હતી. મઆ ઓફરને નકારી કાઢી હતી, ત્યારબાદ BCCIએ રાહુલ દ્રવિડનો કાર્યકાળ વધારવા માટે સંપર્ક કર્યો હતો. એક્સપ્રેસે એ પણ માહિતી આપી હતી કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકરનું માનવું છે કે દ્રવિડે આગામી T20 વર્લ્ડ કપ સુધી જ રહેવું જોઈએ.
BCCIએ શું કહ્યું?
બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બીસીસીઆઈએ તાજેતરમાં પૂરા થયેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પછી રાહુલ દ્રવિડ સાથે તેમના કરારની સમાપ્તિ પર ચર્ચા કરી હતી અને સર્વસંમતિથી કાર્યકાળ વધારવા માટે સંમત થયા હતા. બીસીસીઆઈએ વીવીએસ લક્ષ્મણની પણ પ્રશંસા કરી છે, જેઓ નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)ના વડા છે અને દ્રવિડની ગેરહાજરીમાં સ્ટેન્ડ-ઈન કોચ તરીકે સેવા આપી છે.
લક્ષ્મણ વિશે બોર્ડે શું કહ્યું?
બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોર્ડ VVS લક્ષ્મણની એનસીએ ચીફ અને સ્ટેન્ડ-ઈન હેડ કોચ તરીકેની તેમની ઉત્કૃષ્ટ ભૂમિકાઓ માટે પણ પ્રશંસા કરે છે. મેદાન પર તેમની શાનદાર ભાગીદારીની જેમ, દ્રવિડ અને લક્ષ્મણે ભારતીય ક્રિકેટને આગળ વધારવા માટે સાથે મળીને કામ કર્યું છે.
રાહુલ દ્રવિડે શું કહ્યું?
રાહુલ દ્રવિડે કોન્ટ્રાક્ટ એક્સટેન્શન પર કહ્યું કે ટીમ ઈન્ડિયા સાથેના છેલ્લા બે વર્ષ ખૂબ જ યાદગાર રહ્યા છે. અમે સાથે મળીને ઉતાર-ચઢાવ જોયા છે અને આ સમગ્ર સફર દરમિયાન ગ્રુપની અંદર સપોર્ટ અને માહોલ અભૂતપૂર્વ રહ્યો છે. ડ્રેસિંગ રૂમ અંદર જે અમે જે માહોલ બનાવ્યો છે તેના પર અમને ખરેખર ગર્વ છે. માહોલ પર હાર કે કે જીતથી કોઈ ફરક પડતો નથી. અમારી ટીમમાં કૌશલ્ય અને પ્રતિભા અસાધારણ છે. અમે પ્રક્રિયાને અનુસરવા અને અમારી તૈયારીઓને વળગી રહેવા પર ભાર મુક્યો છે, જેેનો સીધો પ્રભાવ પરિણામ પર પડી રહ્યો છે.





