Pakistan Cricket Board : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન રમીઝ રાજાને (Ramiz Raja)પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ઇમરાન ખાનના ફેવરિટ ગણાતા રમીઝ રાજાની પીસીબીના ચેરમેન પદથી હકાલપટ્ટી થઇ ગઇ છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે રમીઝ રાજાના સ્થાને નજમ સેઠીને (Najam Sethi) પીસીબીના અધ્યક્ષ બનાવ્યા છે. પાકિસ્તાની મીડિયાએ આ જાણકારી આપી છે.
રમીઝ રાજાને કથિત રીતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદેથી સસ્પેન્ડ કરી દીધા છે. જિયો ન્યૂઝના એક રિપોર્ટ પ્રમાણે રમીઝ રાજાના સ્થાને નજમ સેઠી પીસીબીના પ્રમુખ બનશે. રમીઝ રાજાને ગત વર્ષે સપ્ટેમ્બરમાં ત્રણ વર્ષના કાર્યકાળ માટે અધ્યક્ષ બનાવ્યા હતા. 73 વર્ષના નજમ સેઠી આ પહેલા 2013થી 2014 સુધી પીસીબીના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
નજમ સેઠીએ લાહોરમાં શહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી
નજમ સેઠી જલ્દી પીસીબીના અધ્યક્ષ પદની ખુરશી સંભાળશે. નજમ સેઠીએ થોડાક દિવસો પહેલા લાહોરમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. આ પછી એવું માનવામાં આવી રહ્યું હતું કે સેઠી અધ્યક્ષના રૂપમાં નેતૃત્વ કરશે.
આ પણ વાંચો – 23 ડિસેમ્બરે આઈપીએલની મિની હરાજી, કુલ 405 ખેલાડીઓની બોલી લાગશે, આ સ્ટાર ક્રિકેટર્સને ખરીદવા જામશે હોડ
ટી-20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે પરાજય પછી ટીમની પસંદગીને લઇને પીસીબીના અધ્યક્ષ રમીઝ રાજાની ઘણી ટિકા થઇ રહી હતી. સૂત્રોએ કહ્યું કે પ્રધાનમંત્રી 2014ના પીસીબી સંવિધાનની બહાલીનો આદેશ આપી શકે છે.
નજમ સેઠીએ 2018માં આપ્યું હતું રાજીનામું
2018માં જ્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન બન્યા હતા ત્યારે નજમ સેઠીએ પીસીબીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. નજમ સેઠી 2017માં ત્રણ વર્ષ માટે નિયુક્ત થયા હતા પણ અધવચ્ચેથી રાજીનામું આપ્યા પછી ઘણા નિરાશ હતા.