Ratan Naval Tata Passed Away: ભારતના ઉદ્યોગપતિ રતન ટાટાનું 9 ઓક્ટોબર 2024ને બુધવારના રોજ નિધન થયું હતું. તેમણે 86 વર્ષની ઉંમરે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પર ખેલ જગતે પણ શોક વ્યક્ત કર્યો હતો. રતન ટાટાએ દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવાની સાથે સાથે દેશમાં ક્રિકેટની રમતને આગળ વધારવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. રતન ટાટાએ ખેલાડીઓને નોકરી, આર્થિક મદદની સાથે મહત્વની તકો આપી હતી.
ઘણા ક્રિકેટરોને તક આપવામાં આવી
દેશના ઘણા ક્રિકેટરો ટાટા ગ્રુપ માટે કામ કરી ચૂક્યા છે. તેમાં 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા મોહિન્દર અમરનાથ, 2007ના ટી-20 વર્લ્ડ કપ ચેમ્પિયન રોબિન ઉથપ્પા, સંજય માંજરેકર, વીવીએસ લક્ષ્મણ, 2011ના વન-ડે વર્લ્ડ કપ ચેમ્પિયન હરભજન સિંહ અને યુવરાજ સિંહ, મોહમ્મદ કૈફ અને હાલના ચીફ સિલેક્ટર અજીત અગરકરનો સમાવેશ થાય છે.
ફારૂક એન્જિનિયરની મદદ કરી
ટાટાએ ખેલાડીઓને નોકરી અને એર ઇન્ડિયાની ટીમમાં રમવાની તક આપીને તેમની મદદ કરી હતી. ટાટા ગ્રુપે ફારૂક એન્જિનિયર અને રુશી સુરતીને આર્થિક મદદ કરી હતી. આ બંને ખેલાડીઓને ટાટા મોટર્સ સપોર્ટ કરતું હતું.
વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી એર ઇન્ડિયાના ભાગ હતા
મોહિન્દર અમરનાથ 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના વાઇસ કેપ્ટન હતા. તે એર ઇન્ડિયાની ટીમ તરફથી પણ રમ્યા હતા. એર ઇન્ડિયાની ક્રિકેટ ટીમ તરફથી સંજય માંજરેકર, વીવીએસ લક્ષ્મણ અને રોબિન ઉથપ્પા પણ રમ્યા હતા. આ તમામ ખેલાડીઓને ગ્રુપ તરફથી આર્થિક મદદ મળી હતી.
આ પણ વાંચો – ‘ટાટા’ ના કારણે જ પ્રથમ વખત ઓલિમ્પિકમાં જઇ શક્યું હતું ભારત, જાણો કેવી રીતે
યુવરાજ અને હરભજન સિંહની કારકિર્દીમાં પણ ભૂમિકા નિભાવી
યુવરાજ સિંહ અને હરભજન સિંહ 2007 અને 2011ની વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના ભાગ હતા. આ બંને ઉપરાંત મોહમ્મદ કૈફ પણ ઇન્ડિયન એરલાઇન્સનો ભાગ હતો. 2007ની ટી-20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ અજિત અગરકર હાલ ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર છે. ટાટા સ્ટીલે તેમને પણ ટેકો આપ્યો હતો.
આજે પણ કરી રહ્યા છે ક્રિકેટર્સને સપોર્ટ
હાલમાં પણ ટાટા ગ્રુપ ઘણા ક્રિકેટરોને સપોર્ટ કરી રહ્યું છે. ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ટાટા પાવર સપોર્ટ કરે છે. બોલર જયંત યાદવ એર ઇન્ડિયાનો ભાગ છે. ટાટા ગ્રુપ આ સમયે આઈપીએલનું સ્પોન્સર પણ છે. આ ગ્રુપ આઈપીએલ સ્પોન્સરશિપ પણ કરે છે.





