Ravichandran Ashwin Retires: રવિચંદ્રન અશ્વિને બુધવારે (18 ડિસેમ્બર) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને આશ્ચર્યચકિત કરી દીધું. આ દિગ્ગજ ભારતીય સ્પિનરે તેની 14 વર્ષની કારકિર્દીમાં 537 વિકેટ લીધી હતી. તે ટેસ્ટમાં ભારત માટે બીજો સૌથી સફળ બોલર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચના અંતિમ દિવસે વિરાટ કોહલી રવિચંદ્રન અશ્વિનને ગળે લગાવતો જોવા મળ્યો હતો. આ પછી અશ્વિનની નિવૃત્તિ અંગે અટકળો શરૂ થઈ હતી. ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ તે કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો હતો અને તેણે નિવૃત્તિની પુષ્ટિ કરી હતી.
અશ્વિને 106 ટેસ્ટમાં 537 વિકેટ સાથે ભારતના બીજા સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર તરીકે 14 વર્ષની શાનદાર કારકિર્દીનો અંત કર્યો. 38 વર્ષીય અશ્વિને ટેસ્ટમાં 37 વખત પાંચ વિકેટ લીધી હતી. આ મામલે તે મુથૈયા મુરલીધરન (67) પછી બીજા ક્રમે છે. 2011 અને 2013માં ભારતના ODI વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનો ભાગ હતો. તમિલનાડુના સ્પિનરે તમામ ફોર્મેટમાં કુલ 765 વિકેટ લીધી છે, જે અનિલ કુંબલેની 956 વિકેટ પાછળ બીજા ક્રમે અને એકંદરે 11મા ક્રમે છે.
WTCની 100 વિકેટ લેનાર પ્રથમ બોલર
અશ્વિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ત્રીજા ચક્ર દરમિયાન પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું હતું. અશ્વિન 100 WTC વિકેટ લેનારો પ્રથમ બોલર છે અને હાલમાં 41 મેચમાં 195 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેના પછી ઓસ્ટ્રેલિયાના નાથન લિયોન (190)નો નંબર આવે છે.
આ પણ વાંચોઃ- ભારતીય ખેલાડીઓએ વધાર્યું તિરંગાનું માન, ક્રિકેટ સાથે આ રમતોમાં પણ વર્લ્ડ ચેમ્પિયન છે ઇન્ડિયા
બોલિંગ ઉપરાંત અશ્વિને બેટમાં પણ યોગદાન આપ્યું હતું. તેણે 151 ઇનિંગ્સમાં 25.75ની એવરેજથી 3503 રન બનાવ્યા હતા. 6 સદી અને 14 અડધી સદી ફટકારી છે.





