ravindra jadeja : ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું તેના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાના ઇન્ટરવ્યૂ પર નિવેદન સામે આવ્યું છે. અનિરુદ્ધ સિંહે એક ઈન્ટરવ્યૂમાં રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને પરિવારમાં અણબનાવ ઉભો કરવા માટે જવાબદાર ઠેરવ્યા છે. આ પછી રવિન્દ્ર જાડેજાએ તેના પિતા પર નિશાન સાધ્યું હતું અને પત્નીની ઈમેજને ખરાબ કરવાનું બંધ કરવા કહ્યું હતુ. જાડેજાના પિતાએ આરોપ લગાવ્યો હતો કે લગ્ન બાદ તેમના પુત્રમાં ઘણો બદલાવ આવ્યો છે અને તેઓ એકબીજાના સંપર્કમાં નથી. તેઓ એક જ શહેરમાં રહે છે પણ એકબીજાને મળતા નથી.
રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. રવિન્દ્ર જાડેજાએ આ ઈન્ટરવ્યૂને સ્ક્રિપ્ટેડ ગણાવ્યો હતો. જેના જવાબમાં જાડેજાએ ગુજરાતીમાં ટ્વિટ કરીને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે તેમની પાસે કહેવા માટે પણ ઘણું બધું છે, પરંતુ તેઓ જાહેરમાં નહીં બોલે. આ સાથે તેણે લખ્યું હતું કે સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યૂમાં જે પણ કહેવામાં આવ્યું છે તેને ઇગ્નોર કરો.
આ પણ વાંચો – રાજ લિંબાણી : અંડર-19 વર્લ્ડ કપમાં ચમકી રહ્યો છે કચ્છના રણનો સ્વિંગ બોલર
રવિન્દ્ર જાડેજાએ શું લખ્યું
રવિન્દ્ર જાડેજાએ ગુજરાતીમાં કરેલા ટ્વિટમાં લખ્યું કે દિવ્ય ભાસ્કરમાં અપાયેલા વાહિયાત ઇન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે.એક પક્ષે કહેવાયેલી વાત છે. જેને હું નકારું છું. મારી ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનિય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જેને હું પબ્લિકલી ના કહું ત્યા સુધી જ સારું છે.
રિવાબા ભાજપના ધારાસભ્ય છે
રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપના ધારાસભ્ય છે. તે જામનગર નોર્થ બેઠકથી ધારાસભ્ય છે. જાડેજાના ક્રિકેટની વાત કરીએ તો તે હેમસ્ટ્રિંગની ઈજાના કારણે બીજી ટેસ્ટ ચૂકી ગયો હતો. ટીમ મેનેજમેન્ટને વિશ્વાસ છે કે તે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં તેના હોમગ્રાઉન્ડ પર રમવા માટે ઉપલબ્ધ રહેશે. જાડેજાને હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં આ ઈજા થઈ હતી.