Arjun Tendulkar Engagement: ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અર્જુન તેંડુલકરની સગાઈ રવિ ઘઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે થઈ છે. ઘઈ પરિવાર મુંબઈનો એક મોટો અને પ્રખ્યાત બિઝનેસ પરિવાર છે. તેઓ ઇન્ટરકોન્ટિનેન્ટલ મરીન ડ્રાઇવ હોટલ અને બ્રુકલિન ક્રીમરી લો કેલોરી આઇસક્રીમ બ્રાન્ડના માલિક છે. આ સગાઈ એક ખાનગી પ્રસંગ હતો, જેમાં બંને પક્ષના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
અર્જુન તેંડુલકર ડાબોડી ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર
25 વર્ષીય અર્જુન એક ડાબોડી ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે જે ડોમેસ્ટિક ક્રિકેટમાં ગોવાનું પ્રતિનિધિત્વ કરે છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી ચૂક્યો છે. અર્જુને 2020/21 સિઝનમાં મુંબઈ સાથે પોતાની ડોમેસ્ટિક કારકિર્દીની શરૂઆત કરી હતી, હરિયાણા સામેની ટી 20 મેચમાં તેણે ડેબ્યૂ કર્યું હતું. આ પહેલાં તેણે જુનિયર સ્તરે મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભારતની અંડર-19 ટીમમાં સ્થાન મેળવ્યું હતું.
IPL 2025માં અર્જુન તેંડુલકરને આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી. મુંબઈ ઇન્ડિયન્સે મેગા ઓક્શનમાં તેને 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર જાળવી રાખ્યો હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કર્યો ન હતો.
આ પણ વાંચો – રોનાલ્ડાએ 8 વર્ષ રિલેશનશિપમાં રહ્યા પછી જોર્જિના સાથે સગાઇ કરી, 42 કરોડ રુપિયા હોઇ શકે છે વિંટીની કિંમત
અર્જુન તેંડુલકર અત્યાર સુધીમાં 17 ફર્સ્ટ ક્લાસ, 18 લિસ્ટ-એ અને 24 ટી20 મેચ રમ્યો છે. ફર્સ્ટ ક્લાસ મેચોમાં અર્જુને 33.51 ની સરેરાશથી 37 વિકેટ લીધી છે. જ્યારે તેણે 23.13 ની સરેરાશથી 532 રન બનાવ્યા છે. લિસ્ટ-એ ક્રિકેટમાં, અર્જુનના નામે 25 વિકેટ અને 102 રન છે.
અર્જુન તેંડુલકરનો આઈપીએલ રેકોર્ડ
અર્જુન તેંડુલકર આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અત્યાર સુધી 5 મેચ રમ્યો છે, જેમાં તેના નામે 3 વિકેટ અને 13 રન છે.





